ભવ્ય પોથીયાત્રા સાથે યજ્ઞ યોજી આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે 180 બાળકોએ શિક્ષણ મેળવવાની કરી શુભ શરૂઆત મોરબી : મોરબીમાં માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સરસ્વતી શિશુ મંદિર શાળામાં આજે વર્ષના બાળકોનો વિદ્યારંભ સંસ્કાર સમારોહ યોજાયો હતો. જેમાં ભવ્ય પોથીયાત્રા સાથે યજ્ઞ યોજી આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે 180 બાળકોએ શિક્ષણ મેળવવાની શુભ શરૂઆત કરી છે. માગશર સુદ પાંચમ એટલે કે જ્ઞાન પંચમીએ દર વર્ષે સરસ્વતી શિશુ મંદિર ખાતે બાળકોનો વિદ્યારંભ સંસ્કાર સમારોહ યોજવામાં આવે છે. જેમાં શિશુ વાટીકા 2 ના વિદ્યાર્થીઓ જેમને 4 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા વિદ્યાર્થીઓનો વિદ્યારંભ સંસ્કાર કરાઈ છે. આ વખતે 180થી વધુ વિદ્યાર્થીઓ માતા પિતા તથા દાદા દાદી સાથે આવ્યા હતા. આ કાર્યક્રમ આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયો હતો.શાળા સંચાલકના જણાવ્યા અનુસાર ઔપચારિક શિક્ષણ વિદ્યારંભ સંસ્કાર બાદ શરૂ થતું હોય છે. 16 સંસ્કારો પૈકી એક સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર છે. આ સંસ્કાર બાદ વિદ્યાર્થીઓનું વાંચવાનું અને લખવાનું શરૂ થાય છે. શિક્ષણ એટલે માત્ર માહિતી નથી, પણ જીવન કેમ જીવવું તે શીખવવાની રીત છે. આજે શક્તિ માતાના મંદિરથી સરસ્વતી શિશુ મંદિર સુધી પોથીયાત્રા નીકળી હતી. આચાર્યએ માતાના પગનું પૂજન કરી બાળકો તથા વાલીઓનું સ્વાગત કર્યું હતું.