'સરકારી શાળાઓ સ્માર્ટ બની રહી છે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાથમિક શિક્ષણથી જ સકારાત્મક માહોલ જરૂરી': શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયામોરબી : મોરબી જિલ્લામાં શિક્ષણ અને પર્યાવરણના સમન્વય સાથે ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026’ અંતર્ગત મહેન્દ્રનગર પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને આયોજિત આ મહોત્સવમાં શાળાના આંગણે આવેલા નવપ્રવેશી બાળકોને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોરબીના નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ ઉપસ્થિત રહ્યા હતા.પર્યાવરણ સંતુલન માટે દર વર્ષે 5,000 વૃક્ષો વાવવાનો લક્ષ્યાંકઆ અવસરે પ્રેરણાદાયી ઉદ્બોધન આપતાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના મક્કમ નિર્ધારને કારણે આજે સરકારી શાળાઓમાં ક્વોલિફાઇડ શિક્ષકો કે ઓરડાની કોઈ ઘટ નથી અને તમામ શાળાઓ સ્માર્ટ બની રહી છે. સરકાર દ્વારા બાળકોને ભણતર, પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, મધ્યાહન ભોજન સહિતની તમામ આવશ્યક સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.તેમણે શિક્ષકોને અનુરોધ કર્યો હતો કે આપણી શાળાઓમાં આવતા ગરીબ અને મધ્યમવર્ગના બાળકો ભવિષ્યમાં IAS, IPS, IFS બની શકે તેવો સકારાત્મક માહોલ પ્રાથમિક સ્તરથી જ પૂરો પાડવો જોઈએ. મોરબીના ઔદ્યોગિક પ્રદૂષણ સામે પર્યાવરણીય સંતુલન જાળવવા પર વિશેષ ભાર મૂકતા મંત્રીએ સ્થાનિક નાગરિકોને દર વર્ષે 5,000 વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક બનાવી આગળ વધવા અપીલ કરી હતી.‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ સહયોગ આપવા અનુરોધકાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક પ્રવચન આપતા નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલે જણાવ્યું હતું કે, મોરબી હવે ઔદ્યોગિક ક્ષેત્રની સાથે-સાથે પર્યાવરણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરણાથી એક જ સ્થળે 10 લાખ વૃક્ષો સાથે આકાર પામેલું ‘નમો વન’ આગામી સમયમાં પર્યાવરણની જાળવણી સાથે મોરબીની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે. તેમણે પ્રધાનમંત્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ મોરબી જિલ્લામાં ગ્રીન કવર વધારવા માટે પ્રત્યેક નાગરિકને પોતાનો સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને માર્ગ સલામતીના શપથઆ ઉત્સવ અંતર્ગત શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રથમવાર પ્રવેશ મેળવતા નાના બાળકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપીને મોં મીઠું કરાવાયું હતું. આ સાથે જ વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ અને શૈક્ષણિક કીટ તેમજ શાળાના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનારા દાતાઓનું શાલ ઓઢાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે ઉપસ્થિત તમામ મહાનુભાવો, વાલીઓ અને સ્ટાફ દ્વારા ‘માર્ગ સલામતી’ (ટ્રાફિક નિયમોના પાલન) બાબતે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી મનીષા સાવનિયા, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન બોડા, મોરબી BRC કોઓર્ડીનેટર ઉમેશભાઈ બોપલિયા, મોરબી મહાનગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટરો, સ્થાનિક અગ્રણીઓ, શાળાના આચાર્ય અને શિક્ષકો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiNews #MorbiUpdates #ShalaPraveshotsav2026 #KantibhaiAmrutiya #Education #Environment #EkPedMaaKeNaam #RoadSafety