ટંકારા : તારીખ 26 જૂન ને ગુરૂવારના રોજ છત્તર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ-9 ના બાળકોને મહેમાનોના હસ્તે પ્રવેશ અપાવ્યો હતો.મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરથી બી.એચ.વાઢેર (ડેપ્યુટી ડાયરેક્ટર, હાયર એજ્યુકેશન ગાંધીનગર), એચ.એમ. જેતપરિયા (જિલ્લા આયુર્વેદ અધિકારી), ઢેઢી કૌશિકભાઈ ( સી.આર.સી કોર્ડીનેટર મીતાણા) પધાર્યા હતા. તેમના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત પ્રતિભાશાળી બાળકો દ્વારા પુસ્તક આપી આવકાર આપવામાં આવ્યો હતો. મહેમાનોનો પરિચય અને જુદી જુદી પરીક્ષાઓમાં (P.S.C. જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના) ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીનો પરિચય શાળાના આચાર્ય બી.એસ.સંઘાણી દ્વારા કરાવવામાં આવ્યો હતો. બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ મેળવતા બાળકોને દાતા ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણી દ્વારા સ્કૂલ બેગ આપવામાં આવી હતી. સરકારની યોજનાની વાત માધ્યમિક શાળાના આચાર્ય શિલ્પાબેનએ કરી હતી. કાર્યક્રમના અંતમાં મહેમાનોના હસ્તે 'એક પેડ માં કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ શિક્ષક મિત્રોએ ભારે જેહમત ઉઠાવી હતી.