સરકારી શાળાના શિક્ષકો શેરીએ શેરીએ, ફળિયે ફળિયે જઈને શિક્ષણ આપતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ મોરબી : હાલમાં કોરોના કાળ દરમિયાન શાળાઓ બંધ છે. પણ શિક્ષણ બંધ નથી. કારણ કે ખાનગી સ્કૂલો દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમજ સરકારી શાળાના એવા બાળકો જેના માટે ઓનલાઇન અભ્યાસ શક્ય નથી, તેમને મોરબીની સરકારી શાળાના શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને સરકારી શાળાના શિક્ષકો શેરીએ શેરીએ, ફળિયે ફળિયે જઈને શિક્ષણ આપતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ કોરોના કાળના કારણે છેલ્લા દોઢેક વર્ષથી શાળાઓ બંધ છે. એટલે વિદ્યાર્થીઓને શાળાએ પ્રત્યક્ષ બોલાવવામાં નથી આવતા. પણ માઈક્રોસોફ્ટ ટીમ્સ, G-SHALA ડી.ડી.ગિરનાર જેવા માધ્યમોથી વિદ્યાર્થીઓનું ઓનલાઈન અને વર્ચ્યુઅલ શિક્ષણ થઈ રહ્યું છે. પણ ઘણા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન, ટી.વી. જેવા સાધનો ન હોય એવા બાળકોને શિક્ષણ પ્રાપ્ત થતું નથી. વળી જે સમજ પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા આપી શકાય એ સમજ ઓનલાઈન શિક્ષણ દ્વારા ન જ આપી શકાય અને હાલમાં બ્રિજ કોર્ષ (જ્ઞાનસેતુ)નું કાર્ય પૂર્ણ થયું છે. ત્યારે વિદ્યાર્થીઓએ જ્ઞાનસેતુનું કાર્ય કેવું કરેલ છે? એના મૂલ્યાંકન માટે આગામી 20 જુલાઈના રોજ એકમ કસોટી લેવાની હોય વગેરે બાબતોની સમજ માટે મોરબીની માધાપરવાડી શાળા સહિતની સરકારી શાળાના શિક્ષકો શેરીએ શેરીએ, ફળિયે ફળિયે જઈને શિક્ષણ આપી રહ્યા છે. જેથી, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમ યાદીમાં જણાવાયું છે.