મોરબી : મોરબીમાં આજે ફરી સવારથી મેઘકૃપા વરસી રહી છે. આજે સવારથી મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યા છે. જો કે, મોરબી સિવાય જિલ્લામાં અન્ય ચાર તાલુકામાં ક્યાંક ઝાપટા તો ક્યાંક છાંટા પડ્યાના અહેવાલ છે. મોરબીમાં પ્રથમ રાઉન્ડ બાદ ચાર પાંચ દિવસથી બફારા અને ઉકળાટ બાદ આજે સવારે વરસાદી માહોલ બંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે પણ 18 જુલાઈથી વરસાદની આગાહી કરી હતી કે મુજબ મોરબીમાં સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો અને બપોરના 12-30 વાગ્યા સુધીમાં ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. મોરબીના અલગ અલગ વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યાના અહેવાલ મળ્યા છે. જ્યારે અમારા પ્રતિનિધીઓના જણાવ્યા મુજબ હળવદમાં વરસાદ પડ્યો નથી. વાંકાનેરમાં માત્ર છાંટા પડ્યાના અહેવાલ છે. ટંકારા પંથક પણ કોરો રહ્યો છે. માળીયામાં પણ વરસાદ નથી. એકમાત્ર મોરબીમાં ધીમીધારે સારો વરસાદ પડી રહ્યો છે.