કેટલીક પંચાયતો બારોબાર વહીવટ કરી વર-કન્યાની હાજરી વગર જ મેરેજ સર્ટિફિકેટ આપતી હોવાનો સિરામિક ઉદ્યોગપતિનો આરોપ : મોરબીના આગેવાનો અને વકીલોને જાગૃત થવા અનુરોધ મોરબી : સમગ્ર રાજ્યમાં હાલમાં પ્રેમલગ્ન અને લવજેહાદ જેવા મુદ્દા ગાજી રહ્યા છે ત્યારે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિએ વર્ષોથી અમરેલી જિલ્લાની કેટલીક પંકાયેલી પંચાયતો દ્વારા બારોબાર વર કન્યાની હાજરી ન હોય તો પણ મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવતા હોવા અંગે લાલબત્તી ધરી મોરબીના રાજકીય આગેવાન અને વકીલોને આ મામલે જાગૃત થવા અનુરોધ કર્યો છે. ગુજરાતના પાટીદાર સમાજ દ્વારા પ્રેમલગ્ન અંગેના કાયદામાં સુધાર લાવી માતાપિતાની મંજૂરી ફરજીયાત કરવા રાજ્યના મુખ્યમંત્રીસમક્ષ માંગ કરવામાં આવી છે એવા સમયે જ મોરબીના અગ્રણી ઉધોગપતિ અને મોરબી સીરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ પોતાના સોશિયલ મીડિયા પેઈજ ઉપર જાગો યુવાનો અને પરીવારજનો જાગો તેવા શીર્ષક હેઠળ પ્રેમલગ્નના કિસ્સામાં અમરેલી જિલ્લામાં ચાલતા કૌભાંડ સમાન મેરેજ સર્ટિફિકેટ આપવાના કિસ્સાઓને ઉજાગર કર્યો છે. ઉદ્યોગપતિ નિલેશભાઈએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, આજની નવી પેઢીની દીકરીઓને બચાવવા માટે જાગો, ગુજરાત ના અમુક જીલ્લાઓમાં અને ખાસ કરીને અમરેલી જીલ્લાની અમુક ગ્રામ પંચાયતો મોરબીની દિકરીઓ લવમેરેજ કરે ત્યારે ત્યા ગયા વગર અમુક પંચાયતોના તલાટી મંત્રીઓ દ્વારા મેરેજ સર્ટીફીકેટ આપીને ભગાવવા માટે સહયોગ આપે છે ! આ કૌભાંડ ને ખુલ્લુ પાડવુ તે મોરબીની જનતા જે ભોગ બની હોય તેમને અને રાજકીય આગેવાનો તેમજ મોરબીની જનતાને પ્રેમ કરતા હોય તેવા સારા વકિલોને આ બાબતે ગંભિરતાથી લેવાની જરૂર છે. મોરબીની દિકરીઓને આવા ચુંગાલમાથી બચાવવા આગળ આવવુ જરૂરી છે કેટલાક લોકો પોતાની નાની ફીની રકમ માટે કોઇની દિકરીઓ પોતાના પરીવારથી અલગ કરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે મોરબીના આગેવાનોએ પણ આ વાત ધ્યાનમા લેવાની જરૂર છે અને સાથો-સાથ નાગરીકોએ પણ આ બાબતે જાગ્રૃત થવુ જરૂરી હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.