મોરબી : મોરબી સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસોમાં ગાઢ ઝાકળનું વાતાવરણ છવાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં મહત્વનો ફેરફાર આવી રહ્યો છે, જેના કારણે તારીખ 8, 9 અને 10 ફેબ્રુઆરીએ વહેલી સવારે તેમજ રાત્રિના સમયે ઠંડી સાથે ભેજયુક્ત વાતાવરણ રહેશે.ECMWF મોડલના અનુમાન મુજબ, આ વિસ્તારોમાં સપાટીનું તાપમાન 17 થી 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે ડ્યુ પોઈન્ટ (ભેજનું માપ) 16 થી 18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ રહ્યું છે. તાપમાન અને ડ્યુ પોઈન્ટ વચ્ચેનો તફાવત ખૂબ ઓછો હોવાથી હવામાં ભેજનું પ્રમાણ અતિશય વધશે. આના પરિણામે રાત્રિ અને વહેલી સવારે ગાઢ ઝાકળ (Dense Fog) છવાઈ શકે છે. અનેક વિસ્તારોમાં ઝાકળવર્ષા (Mist Drizzle) અથવા હળવી ઝરમર વરસાદ જેવી સ્થિતિ જોવા મળી શકે છે. સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનો આ સ્થિતિને વધુ લાંબા સમય સુધી જાળવી રાખશે, જેથી ઝાકળનું વાતાવરણ કેટલાક કલાકો સુધી ટકી રહે તેવી શક્યતા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્યત્વે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.