વખતો વખત રજુઆત કરી હોવા છતાં નાના ખીજડિયા ગામના દલિતોને સાંથણીની જમીન ફાળવવામાં ન આવતા રોષ મોરબી: મોરબીના ખીજડીયા ગામના દલિતોને સાંથણીની જમીન ફાળવવામાં ન આવતા એક દલિત આગેવાન દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. મોરબીના નાના ખીજડિયા ગામના દલિતોને અનેક રજૂઆતો બાદ પણ સાંથણીની જમીન આપવામાં ન આવી હોવાથી નાના ખિજડિયા ગામના નરશીભાઈ ભીખાભાઈ વરણે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.આ અગાઉ પણ નરશીભાઈએ સાંથણીની જમીન બાબતે આંદોલન કર્યું હતું. ત્યારે ૫૦ દિવસના ઉપવાસ આંદોલન બાદ તેઓને ન્યાય અપાવવાની ખાત્રી આપીને પારણા કરાવવામાં આવ્યા હતા. આમ છતાં પણ સાંથણીની જમીન આપવાની પ્રક્રિયા તંત્ર દ્વારા આગળ ધપાવવામાં આવી નથી. વખતો વખત વહીવટી તંત્રને સાંથણીની જમીન ફાળવવાની રજુઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી નારશીભાઈએ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી પાસે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.