મોરબી: ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપનાર ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, લેખક, વિવેચક અને સંપાદક એવા ઉમાશંકર જેઠાલાલ જોશીની જન્મજયંતિ નિમિત્તે 'સર્વજ્ઞ ઉમાશંકર' શીર્ષક હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, મોરબી દ્વારા આવતીકાલે 21 જુલાઈને સોમવારના રોજ આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજના સેમિનાર હોલ ખાતે સવારે 10:00 કલાકે શરૂ થશે. જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહાની પ્રેરક ઉપસ્થિત રહેશે. તેમજ વક્તા તરીકે ડો. સતીશભાઈ ડાંગર અને સંજય બાપોદરિયા ઉમાશંકર જોષીના સાહિત્યિક પ્રદાન અને વ્યક્તિત્વ પર પ્રકાશ પાડશે. આ કાર્યક્રમના સંચાલક ડો. કવિતાબા ઝાલા રહેશે, જ્યારે સંયોજક તરીકે ડો. રામભાઈ વારોતરીયા સેવા આપશે. આ કાર્યક્રમ કવિ ઉમાશંકર જોષીના પ્રશંસકો અને સાહિત્ય રસિકો માટે એક અનમોલ અવસર છે. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ પ્રો. કૈમાસ દંગી અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા સૌને ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ ડો. રામભાઈ વારોતરીયા (સંયોજક) મો.94272 22823ની યાદીમાં જણાવાયું છે.