તાત્કાલિક મેઈન્ટેનન્સ કરવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે મળીને કચેરીએ ધરણાં પ્રદર્શન તેમજ રાજીનામાની ચીમકી માળિયા (મિયાણા): માળિયા તાલુકાના બગસરા ગામમાં વીજ તંત્રની લાપરવાહી સામે ગ્રામ પંચાયતે રણશિંગુ ફૂંક્યું છે. વારંવારની લેખિત રજૂઆતો છતાં વર્ષો જૂના વીજ પોલ અને જોખમી વાયરિંગ ન બદલાતા આખરે બગસરાના સરપંચે ઉચ્ચ કક્ષાએ પત્ર લખીને ઉગ્ર આંદોલન અને રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.શું છે સમગ્ર મામલો?બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા દ્વારા પીજીવીસીએલ (PGVCL) ની પીપળીયા પેટા વિભાગીય કચેરીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા અનુસાર, ગામમાં આવેલા જૂના ટી.સી. (ટ્રાન્સફોર્મર) ની હાલત અત્યંત બિસ્માર છે. ફ્યુઝ અને ડીયામાં અવાર-નવાર ફોલ્ટ સર્જાય છે, જેના કારણે જૂના ગામમાં પૂરતો પાવર મળતો નથી.બાળકોના જીવ પર જોખમસૌથી ગંભીર બાબત એ છે કે ગામની પ્રાથમિક શાળામાં 200થી વધુ બાળકો અભ્યાસ કરે છે. શાળા પાસે આવેલા વીજ પોલ નમી ગયા છે અને ઉપરથી ખુલ્લા વાયરો પસાર થાય છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ છે. ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2022 અને 2024માં પણ આ બાબતે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્રના પેટનું પાણી હલ્યું નથી.સરપંચની આરપારની લડાઈવારંવારની રજૂઆતો છતાં કામ ન થતા સરપંચે રોષે ભરાઈને પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો તાત્કાલિક મેઈન્ટેનન્સ કરવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે મળીને કચેરીએ ધરણાં પ્રદર્શન કરવામાં આવશે. તંત્રની આ હેરાનગતિ અને કામચોરી સામે વિરોધ નોંધાવવા માટે તેઓ સરપંચ પદેથી રાજીનામું આપતા પણ અચકાશે નહીં.વિવિધ સ્તરે રજૂઆતઆ ગંભીર પ્રશ્ને સરપંચે માત્ર વીજ કંપની જ નહીં, પરંતુ મોરબી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ઉર્જા મંત્રી (ગાંધીનગર) અને કાર્યપાલક ઇજનેરને પણ નકલ રવાના કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.