પરદેશી બાવળ કાપવાની મંજૂરી માટે 80 હજાર માંગતા એસીબીના કાંટા ખૂંચી ગયા, પીપળીયા ચાર રસ્તા નજીક રંગે હાથ ઝડપી લેવાયામોરબી : માળીયા તાલુકાના પીપળીયા ગામે ખરાવાડ તેમજ પંચાયતના ખરબામાથી બાવળ કાપવાની મંજૂરી આપવાના બદલામાં રૂપિયા 80 હજારની લાંચ મંગનાર તરઘરી ગામના મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના સદસ્યને આજે મોરબી એસીબીએ પીપળીયા ચાર રસ્તા નજીક લાંચ લેતા રંગે હાથ ઝડપી લઈ બન્ને વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.એસીબીની આ સફળ ટ્રેપ અંગેની વિગત જોઈએ તો એક જાગૃત નાગરિક અને બાવળ કાપવાનો વ્યવસાય કરતા ધંધાર્થીએ માળીયા તાલુકાના તરઘરી ગામમાં આવેલ ખરાવાડ તેમજ ગ્રામ પંચાયતના ખરાબાની જગ્યામાંથી પરદેશી બાવળ કાપવા માટે મંજૂરી લેવા જતા આરોપી એવા ગ્રામ પંચાયતના સદસ્ય દામજીભાઈ પોપટભાઈ ગામીએ હાલમાં સરપંચ પદે રહેલા જ્યોતિબેનના પતિ મુકેશભાઈ હમીરભાઈ પરમાર સાથે રૂપિયા 80 હજારનો વહીવટ કરો એટલે મંજૂરી લખી આપશે. જેથી ફરિયાદી જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોય તેમને મોરબી એસીબીનો સંપર્ક સાધતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.વધુમાં જાગૃત નાગરિક દ્વારા પરદેશી બાવળ કાપવાની મંજૂરીના બદલામાં લાંચ માટે આરોપી દામજીભાઈ પોપટભાઈ ગામીએ હાલમાં સરપંચ પદે રહેલા જ્યોતિબેનના પતિ મુકેશભાઈ હમીરભાઈ પરમારને નાણાં આપવા તૈયારી દર્શાવતા આજે બન્ને આરોપીઓ પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ બાલાજી ચેમ્બર ખાતે ડિલક્ષ પાનની સુકાન સામે રોકડા રૂપિયા 80 હજાર સ્વીકારતા મોરબી એસીબી પીએસઆઇ એચ.એમ.રાણા અને તેમની ટીમે બન્ને લાંચિયા શખ્સોને રંગેહાથ ઝડપી લઈ લાંચમાં લીધેલી રકમ રિકવર કરી કાનૂની કાર્યવાહી કરી હતી.