રૂ.93 હજારની ગ્રાન્ટમાં સિમેન્ટને બદલે ગારાનું નબળું બાંધકામ કરવા બદલ સરપંચને સસ્પેન્ડ કરી દેવાયા હળવદ : હળવદ તાલુકાના માણેકવાડા ગામે રૂ. 93 હજારની ગ્રાન્ટમાં વોશિંગ ઘાટ બનાવવા માટે સિમેન્ટને બદલે ગારાનું નબળું બાંધકામ ગ્રામ પંચાયત દ્વારા કરી નાંખ્યા બાદ મીડિયામાં આ મુદ્દો ચમકતા ગ્રામ પંચાયતનો કાંડ બહાર આવ્યો હતો. આથી સિમેન્ટને બદલે ગારાનું નબળું બાંધકામ કરવા બદલ સરપંચને સસ્પેન્ડ કરી દેવાયા આવ્યા છે. હળવદના માણેકવાડા ગામે તળાવની પાળે મહિલાઓને કપડાં ધોવા માટે વોશિંગ ઘાટ બનાવવા સરકાર દ્વારા રૂ. 93 હજારની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી. પણ માણેકવાડા ગ્રામ પંચાયતે જાણે એ ગ્રાન્ટની રકમ બરોબર હજમ કરી જવા માંગતા હોય તેમ વોશિંગ ઘાટ સિમેન્ટને બદલે ગારા-માટીનો ચણી નાખ્યો હતો. આથી આ બનાવનો તસવીરો સાથે સવિસ્તાર અહેવાલ મોરબી અપડેટમાં જે તે સમયે આવ્યા બાદ ગ્રામ પંચાયતે પોતાનો કાંડ ઢાકવા ગારા-માટીનું ચણતર રાતોરાત તોડી નાખ્યું હતું. પરંતુ મોરબી અપડેટના આ અહેવાલના પડઘા પડતા તંત્ર દ્વારા આ કૌભાંડની જરૂરી તપાસ કરતા તેમાં ગેરરીતિ થયાનું બહાર આવતા ગામના સરપંચ હંસાબેન વજાભાઈ કટોણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.