તાજેતરમાં રહેવા આવેલા બે પરિવારોની આરોગ્ય તપાસ કરી લેવાય છે : ગામમાં ભયનું વાતાવરણ સર્જનાર આરોગ્ય ચેરમેનના પતિ સામે કાર્યવાહીની માંગ હળવદ : હળવદના ટિકર ગામમાં કોરોનાથી સંક્રમિત થયેલા પરિવારો રહેવા આવ્યા હોવાની અફવાનું ગામના સરપંચે ખંડન કર્યું છે. વધુમાં તેઓએ જાહેર કર્યું છે કે આ પરિવારોની આરોગ્ય તપાસ કરી લેવામાં આવી છે. અને આ વાત ફેલાવીને ગામમાં ભયનું વાતાવરણ સર્જનાર આરોગ્ય ચેરમેનના પતિ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. હળવદના ટિકર ગામે મોરબીના ઉમા ટાઉનશીપમાંથી પરિવારો રહેવા આવ્યા હોય તેઓ કોરોનાથી સંક્રમિત હોય ટિકર ગામનું આરોગ્ય જોખમાશે તેવી વાતોનું સરપંચ સંગીતાબેન વિજયભાઈ પટેલે ખંડન કર્યું છે. વધુમાં તેઓએ આ વાતો ફેલાવવાનો આરોપ આરોગ્ય સમિતિના ચેરમેનને પતિ ઉપર મુક્યો છે. વધુમાં તેઓએ હળવદ પીઆઈને રજુઆત કરી છે કે ગામમાં આવેલા પરિવારો કોરોનાથી સંક્રમિત થયેલા વિસ્તારમાંથી આવ્યા નથી. તેઓનું આરોગ્ય ચેક અપ પણ કરવામાં આવ્યું છે. ટિકર ગામમાં લોકડાઉનના કપરા સમયે ભયનો માહોલ ઉભો કરનાર વ્યક્તિ સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ સરપંચ દ્વારા કરવામાં આવી છે.