લોકાર્પણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્ચુઅલી ઉપસ્થિત રહ્યા200 કરોડના ખર્ચે નિર્મિત શકરીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલમાં 3 હજાર દીકરીઓ માટે રહેવાની સુવિધામોરબી : સરદારધામના 'સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ'ના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન 2026 અંતર્ગત સરદારધામ સંચાલિત અમદાવાદ ખાતે નિર્માણ પામેલા શકરીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલ કન્યા છાત્રાલય ફેઝ-2નો તારીખ 24 ઓગસ્ટ ને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉદઘાટક સ્થાને યોજાયેલા આ લોકાર્પણ સમારોહમાં મોરબીના પાટીદાર ભામાશા અને ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલ પરિવાર (સનહાર્ટ ગ્રુપ)ના હસ્તે કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ અંગે સરદારધામ ફેસ-2 કન્યા છાત્રાલયના ભવનના ઉદઘાટક અને મોરબીના પાટીદાર ભામાશા સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સમારોહમાં યોગાનુયોગ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વર્ચ્યૂઅલી જોડાયા હતા. દેશના ગૃહ મંત્રી અમિત શાહ પણ વર્ચ્યૂઅલી જોડાયા હતા. અમિતભાઈ શાહની વર્ચ્યૂઅલ હાજરીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહીને પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, મહેસાણાના સાંસદ હરીભાઈ પટેલ, સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા સહિતના મહેમાનોની હાજરીમાં અમારા ગણેશભાઈ શિવાભાઈ પટેલ પરિવાર દ્વારા મુખ્ય બિલ્ડીંગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ગુજરાત સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસેરીયા, અનેક ધારાસભ્યો, રાજકીય આગેવાનો, દાતાઓ, સમાજશ્રેષ્ઠીઓ, બહોળી સંખ્યામાં દીકરા-દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.મિશન 2026 અંતર્ગત સરદાર ધામના પાંચ લક્ષ્યબિંદુઓ જેમાં બિલ્ડીંગ પ્રોજેક્ટ (10000 દીકરા દીકરીઓને પરવડે તેવા સુવિધાયુક્ત છાત્રાલયનું નિર્માણ), જીપીએસસી, યુપીએસસી, ડિફેન્સ, સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન (10000 ઉદ્યોગપતિઓનું સંગઠન) તેમજ યુવા સંગઠન થકી સમાજ જોડો અભિયાનને સિદ્ધ કરવા સંકલ્પબધ્ધ છે. સરદાર ધામ સંચાલિત શકરીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલ કન્યા છાત્રાલય જેમાં 3000 દીકરીઓ માટે હોસ્ટેલની સુવિધા તેમજ અન્ય સુવિધા, ઇન્સ્ટિટ્યૂટ, 440 રૂમની વ્યવસ્થા, 1000 વ્યક્તિની ક્ષમતાનો હોલ, ઈ લાઇબ્રેરી, વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર, સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટર જેવી અનેક સુવિધાઓ સરદાર ધામ ફેસ-2માં ઉપલબ્ધ છે. સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રૂપિયા 200 કરોડના ખર્ચે નિર્મિત શકરીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલ કન્યા છાત્રાલયમાં 3000 દીકરીઓ માટે રહેવા જમવા અને અભ્યાસની સુવિધાઓ ઉપલબ્ધ બની છે.