ટંકારા : ભારતના એકતા પુરુષ, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આજે ટંકારા તાલુકામાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. પટેલ સમાજ એસોસિએશન ટંકારા દ્વારા ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે આવેલ સાર્વજનિક પ્લોટ (પાણીના ટાંકા સામે, ટંકારા–લતીપર હાઇવે) પર સરદાર સાહેબનું ભવ્ય સ્ટેચ્યૂ તથા સુંદર “સરદારબાગ” બનાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.આ સંદર્ભે ટૂંક સમયમાં ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવશે. આશરે 20 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે અને ટંકારા શહેરને એક મહત્વનું જાહેર બગીચો તથા પ્રેરણાત્મક સ્મારક મળશે. પટેલ સમાજ એસોસિએશન ટંકારા અનેક વર્ષોથી સમાજ સેવા માટે અવિરત કાર્યરત છે. ખાસ કરીને ફ્રી સબવાહિની સેવા દ્વારા મોરબી જિલ્લામાં અનેક પરિવારોને લાભ મળ્યો છે, જે સમાજની કલ્યાણશીલ ભાવનાનું પ્રતિક છે.ટંકારા શહેરમાં જાહેર બગીચાનો અભાવ હોવાથી આ આયોજનનો સ્થાનિક નાગરિકો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સરદાર સાહેબના આદર્શોને અનુસરતાં સમાજ વિકાસ માટેનું આ કાર્ય યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બનશે.