મોરબી : વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર તથા સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે ગત રવિવારે, તારીખ 14 ડિસેમ્બરના રોજ મહિલા જાગૃતિ અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને 'સપ્ત શક્તિ સંગમ' મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંમેલન દરમિયાન ભારતીય સંસ્કૃતિ મુજબ સ્વાગત, દીપ પ્રાગટ્ય અને વિદ્યાર્થીનીઓ દ્વારા સમૂહગીતની પ્રસ્તુતિ જેવા વિવિધ કાર્યક્રમો રજૂ થયા હતા. મહિલાઓને પ્રેરણા આપવા માટે પ્રશ્નોત્તરી, અધ્યક્ષ અને વક્તાના વક્તવ્યો, તેમજ પ્રેરણાદાયી મહિલાઓના સંદેશનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત કાર્યક્રમમાં એકપાત્રીય અભિનય, સમાજ અને મહિલાઓ માટે પ્રેરણારૂપ માતાઓનું સન્માન અને મહિલાઓ દ્વારા અનુભવ કથન જેવા પ્રેરણાદાયી વિભાગો યોજાયા હતા. અંતમાં, ઉપસ્થિત મહિલાઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાર્થક વિદ્યામંદિરના વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત કુલ 250થી વધારે મહિલાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહી હતી. મહિલાઓ દ્વારા મહિલાઓ માટે આયોજિત આ સંમેલનને સફળ બનાવવા માટે સાર્થક વિદ્યામંદિરની મહિલા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.