ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે લોકોમાં પર્યાવરણ પ્રેમ જગાવવા પ્રયાસ મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે તેમજ પર્યાવરણ શુદ્ધ થાય અને ઓક્સિજનની માત્રા વધે તેવા હેતુસર લીલોછમ છાંયડો આપતા વિવિધ વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વૃક્ષોના રોપાનો લાભ લેવા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે ખાસ કરીને ઘટાદાર વૃક્ષોના વાવેતર માટે લોકજાગૃતિ કેળવાઈ તે માટે ભાજપના કાર્યાલય નવા બસ સ્ટેન્ડ સામે સુપર માર્કેટ પાસે વિનામૂલ્યે વિવિધ વૃક્ષોના રોપા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વૃક્ષોના રોપાનું વિતરણ શરૂ કરતાં જ રોપાનો લાભ લેવા માટે લોકોએ પણ કતારો લગાવી હતી અને વૃક્ષોના રોપા વિતરણનો લાભ લઈને તેનું કાળજીપૂર્વક જતન કરી પર્યાવરણનું રક્ષણ કરવા માટે લોકોમાં પણ ભારે જગૃતિ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મોરબી જિલ્લા અને તાલુકા ભાજપના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપે અંદાજે 5 હજાર રોપાનું વિતરણ કરવાનો લક્ષ્યાંક દર્શાવ્યો હતો. જો કે ચોમાસુ બેસી ગયું છે અને વરસાદ પણ સારો પડ્યો છે. તેથી, વૃક્ષારોપણ માટે આ સમય અનુકૂળ હોવાથી આ રોપા વિતરણ કાર્યક્રમ ખરા અર્થમાં સાર્થક બન્યો છે.