3.5 કરોડના ખર્ચે સંતો માટે સુવિધાસભર સંત નિવાસ ભવન નિર્માણ પામ્યુંઆવતીકાલે 12 એપ્રિલે હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થશેમોરબી : મોરબીના બેલા-ભરતનગર રોડ પર આવેલા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે તારીખ 11 અને 12 એપ્રિલના રોજ હનુમાન જયંતી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે મહોત્સવના પ્રથમ દિવસે 11 એપ્રિલના રોજ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે સંત નિવાસ શંકરાચાર્ય ભુવનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અંગે ખોખરા હનુમાન હરિહરધામના કનકેશ્વરીદેવીજીએ જણાવ્યું હતું કે, આજે શંકરાચાર્ય ભુવન એટલે કે સંત નિવાસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ભવન મધ્યપ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયના માતાની સ્મૃતિમાં બનાવાયું છે. અહીં પધારતા શંકરાચાર્યજી, મોટા સંતો, વિદ્વાનો, આચાર્યો માટે આ સંત નિવાસમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે સાડા ત્રણ કરોડના ખર્ચે આ સંત નિવાસ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજના આ પ્રસંગે દ્વારકા શંકરાચાર્ય પીઠના નારાયણાનંદ બ્રહ્મચારીજી, નિજાનંદ સ્વામીજી, મહાદેવ બાપુ, દામજી ભગત, શિવરામ સાહેબ, કચ્છથી કલ્યાણદાસજી મહારાજ, અર્જુનનાથજી મહારાજ, ભાગવતાચાર્ય કનૈયાલાલ ભટ્ટ, અશોકભાઈ ભટ્ટ સહિતના વિદ્વાનો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, કાંતિભાઈ અમૃતિયા સહિતના મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા.શંકરાચાર્ય પીઠના નારાયણાનંદ બ્રહ્મચારીજીએ જણાવ્યું હતું કે, કેશવાનંદ બાપુના શિષ્ય કનકેશ્વરીદેવીજીના સાનિધ્યમાં અહીંયા ખૂબ જ સરસ મંદિર અને આશ્રમ બનાવવામાં આવ્યો છે. મંદિર તમામ જીવો માટે હોય છે. સંતો સમગ્ર જીવો માટે કામ કરતાં હોય છે. સંતોનું જીવન સમાજને સમર્પિત હોય છે.ખોખરા હનુમાન હરિહરધામ ખાતે આજે 11 એપ્રિલે રાત્રે 9-30 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં કલાકાર બિરજુ બારોટ, સાધ્વી જયશ્રી માતાજી, શ્રવણસિંહ સોઢા, દક્ષા પરમાર અને સંકલન મુકેશભાઈ સાધુ ભજનની રમઝટ બોલાવશે. તારીખ 12 એપ્રિલ ને શનિવારે સવારે 7 કલાકે મંદિરના શિખર પર ધજારોહણ થશે. સવારે 8 કલાકે હનુમાન યજ્ઞ યોજાશે. સવારે 9 કલાકે સુંદરકાંડના પાઠ થશે. સવારે 9 થી 12 વાગ્યા સુધી દાંતના તમામ રોગોની સારવાર માટે નિઃશુલ્ક કેમ્પ યોજાશે. જેમાં ડો. શ્રદ્ધાનંદજી મહારાજ સેવા આપશે. બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. બપોરે 3 કલાકે વૈદ્ય લાલભાઈ ભીખાબાપા દ્વારા નિઃશુલ્ક નાડી પરીક્ષણ કેમ્પમાં સેવા આપશે. તો આ મહોત્સવમાં પધારવા સર્વે ભક્તોને આમંત્રણ પાઠવાયું છે.