રાજ્યભરના કુલ 656 કેન્દ્રો પર 66875 છાત્રો પરીક્ષા આપશેમોરબી: સંસ્કૃતભારતી સંસ્થાના ઉપક્રમે આગામી 6 ડિસેમ્બર, ને શનિવારના રોજ સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 'સંસ્કૃતભારત નિર્માણમ્ સમર્થભારત સોપાનમ્'ના લક્ષ્ય સાથે કાર્ય કરતી સંસ્કૃતભારતી સંસ્થા દ્વારા આયોજિત આ પરીક્ષામાં આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 656 કેન્દ્રો પરથી 66875 છાત્રો ભાગ લેશે. સંસ્કૃત પ્રત્યે લોકોમાં વધી રહેલી રુચિને આ વિશાળ સંખ્યા દર્શાવે છે.સંસ્કૃત ગૌરવ પરીક્ષાની વિશેષતા તેના અભ્યાસક્રમમાં રહેલી છે, જે ક્રમશઃ પરીક્ષાર્થીને સંસ્કૃત સંભાષણ તરફ દોરી જાય છે. અભ્યાસક્રમ મુખ્યત્વે ચાર વિભાગોમાં વહેંચાયેલો છે: પ્રવેશિકા, પ્રદીપિકા, પ્રમોદિકા અને પ્રવાહીકા. આ પુસ્તકોની રચના એવી રીતે કરવામાં આવી છે કે વિદ્યાલયના બાળકો સરળતાથી તેના તરફ આકર્ષાય. શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત, સામાજિક લોકો પણ આ પરીક્ષા આપી શકતા હોવાથી વ્યક્તિગત પરીક્ષાર્થીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના 65%થી વધુ તાલુકાઓમાં પરીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે.પરીક્ષાનું પંજીકરણ સામાન્ય રીતે જૂન માસમાં શરૂ થાય છે, ડિસેમ્બરમાં પરીક્ષા યોજાય છે અને તેનું પરિણામ વસંત પંચમીએ જાહેર કરવામાં આવે છે. આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જન સંસ્કૃતના ભવ્ય ભૂતકાળને જાણીને ભાષાની સરળતા અને મધુરતાથી પરિચિત થાય અને સાંસ્કૃતિક પુનરુત્થાનમાં જોડાય તે છે. ચારેય સોપાનો પૂર્ણ કરનાર છાત્રોને પત્રાચાર દ્વારા સંસ્કૃત યોજનામાં જોડાવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની તૈયારી માટે સંસ્કૃત ગૌરવ પરીક્ષાની એપ્લિકેશનમાં જ ક્વેશ્ચન બેંક આપવામાં આવે છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ રમત-રમતમાં પોતાના જ્ઞાનની ચકાસણી અને વૃદ્ધિ કરી શકે છે. સંયોજકોના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓમાં આ પરીક્ષા પ્રત્યેનો ઉત્સાહ એટલો છે કે તેઓ દર વર્ષે તેની પ્રતીક્ષા કરતા હોય છે, જેથી આ 'પરીક્ષા' હવે વાસ્તવમાં એક 'પરીક્ષા ઉત્સવ' બની રહ્યો છે.