મોરબી : કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. ત્યારે ગાળા ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસથી સલામતીના ભાગરૂપે સમગ્ર ગામમાં સૅનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનોને માસ્કની વહેંચણી કરવામાં આવી હતી. ગાળા ગામના તલાટી મંત્રી હેતાબેન ગોહેલ અને સરપંચ દ્વારા કોવીડ-19 સમિતિની રચના કરવામાં આવી છે. જેના હિતેષભાઇ, વલ્લભભાઈ સહિતના સભ્યો દ્વારા સ્વામીનગર, ગણેશનગર, ઉતારાવાસ, વણકરવાસ સહિતના અનેક વિસ્તારો તથા જાહેર રોડ-રસ્તાઓ પર દવાનો છંટકાવ કરી સૅનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. તેમજ ગટર તથા પાણી ભરાય રહેતું હોય તેવી દરેક જગ્યાએ કાળું તેલ નાખી મચ્છરનો ઉપદ્રવ ના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વધુમાં, આ સમિતિના સભ્ય દિલીપભાઈ કુંડારીયા દ્વારા ગામલોકોને 2000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અજાણ્યા પ્રવેશ ના કરી શકે તે માટે ગાળા ગામમાં પ્રવેશ માટેના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.