ઓલ ઇન્ડિયા અંડર-17 બોયઝ વોલીબોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હળવદ : છત્તીસગઢ રાજ્યના રાયપુર ખાતે યોજાયેલ અંડર-17 વોલીબોલ સ્પર્ધામાં હળવદમાં આવેલ સાંદિપની ઇંગ્લીશ સ્કૂલની ટીમ વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઓલ ઇન્ડિયા અર્બન ગેમ ફેડરેશન આયોજિત ઓલ ઇન્ડિયા અંડર-17 બોયઝ વોલીબોલ સ્પર્ધાનું છત્તીસગઢના રાયપુર ખાતે તારીખ 11-9 થી 14- 9 સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વોલીબોલ સ્પર્ધામાં ભારતભરમાંથી અનેક રાજ્યોની નામાંકિત ટીમોએ પણ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ગુજરાતની ટીમનું નેતૃત્વ હળવદ શહેરમાં આવેલ સાંદિપની ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીની ટીમે કરેલ હતું. આ સ્પર્ધામાં સાંદિપની સ્કૂલના વિદ્યાર્થીઓએ હરિયાણા,કેરળ, મહારાષ્ટ્રની ટીમને પરાજિત કરીને ફાઇનલમાં પહોંચી હતી અને છત્તીસગઢની ટીમને તેની જ ધરતી પર હરાવી ગોલ્ડ મેડલ હાંસલ કરી વોલીબોલ સ્પર્ધા અંડર-17માં સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. જે બદલ સાંદિપની સ્કૂલ પરિવાર તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.