છાપું પ્રિન્ટ કેવી રીતે થાય ? શ્રેષ્ઠ પત્રકાર કેવી રીતે બની શકાય ? પત્રકાર બનવામાં કેટલું જોખમ ? બાળકોએ મૂંઝવતા પ્રશ્નોના જવાબ મેળવ્યા મોરબી સંદેશ બ્યુરો ઓફીસ અને મોરબી અપડેટ વેબ પોર્ટલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ અભિભૂત મોરબી : ભણતરની સાથે ગણતરના પાઠ ભણાવતી મોરબી સરસ્વતિ શિશુમંદિરના ધોરણ - ૫ ના વિદ્યાર્થીઓએ પોતાના શાળા અભ્યાસક્રમના ભાગ રૂપે અખબાર અને ડિજિટલ મીડિયાની કામગીરી પ્રત્યક્ષ નિહાળી માહિતગાર થવાની સાથે પત્રકાર બનાવામાં કેટલું જોખમ ? શ્રષ્ઠ પત્રકાર કેવી રીતે બની શકાય જેવા સવાલો પૂછતા સંદેશ બ્યુરો ઓફીસ અને મોરબી અપડેટ ઓફિસની મુલાકાત લઈ તલસ્પર્શી જાણકારી મેળવી અભિભૂત બન્યા હતા. મોરબીમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરતી સરસ્વતિ શિશુમંદિર શાળામાં ધોરણ - ૫ ના બાળકોને અભ્યાસક્રમની સાથે - સાથે અભ્યાસક્રમ બહાર રોજબરોજની ઘટનાઓ, વ્યવસાય અંગેની માહિતી મળે તે માટે પાંચેક દિવસની અન્ય પ્રવૃત્તિમાં બિઝનેસમેન અને સમાજના શ્રષ્ઠી સાથે મુલાકાત કરવાની હોય છે જે અંતર્ગત આજે વિદ્યાર્થીઓ આજે અખબારી જગત અને ડિજિટલ મીડિયાથી માહિતગાર થવા માટે મોરબી સંદેશ બ્યુરો ઓફીસ અને ડિજિટલ મીડિયાક્ષેત્રે ક્રાંતિકારી પહેલ કરનાર મોરબીના પહેલા વેબ પોર્ટલ એવા મોરબી અપડેટની મુલાકાતે આવ્યા હતા. આ તકે સરસ્વતિ શાળાના વિદ્યાર્થીઓ મોરબી સંદેશ બ્યુરો ચીફ દિલીપભાઈ બરાસરાને મળ્યા હતા અને અખબાર કેવી રીતે પ્રિન્ટિંગ થાય, સમાચારો કેવી રીતે મેળવવામાં આવે છે અને કઈ રીતે અખબાર સુધી પહોંચાડવામાં આવે છે તેની જાણકારી મેળવી હતી જેમાં પોલીસ, કલેકટર તંત્ર, નગરપાલિકા અને કચેરીએથી ન્યૂઝ કેવી રીતે મેળવવામાં આવે છે તે અંગે સિનિયર પત્રકાર કિશોરભાઈ ચાવડાએ બાળકોની જિજ્ઞાસાવૃત્તિને સંતોષકારક રીતે પ્રત્યક્ષ રૂપે તાદ્રશ્ય કરાવ્યું હતું. અખબારી જગતથી વાકેફ થવા આવેલા બાળકોએ સંદેશ બ્યુરો ચીફ દિલીપભાઈ સાથે રસ પૂર્વક સવાલો કરી જવાબો મેળવ્યા હતા જેમાં શ્રેષ્ઠ પત્રકાર કેવી રીતે બની શકાય ? પત્રકાર બનાવમાં કેટલું જોખમ ? અખબાર કેવી રીતે પ્રિન્ટિંગ થાય ? ન્યૂઝ પેપર તૈયાર કરવામાં કેટલો ખર્ચ થાય તે સહિતની બાબતો અંગે માહિતી મેળવી અભિભૂત થયા હતા.