હળવદની બ્રાહ્મણી નદીને ખોતરી ખાતી રેતમાફિયા રૂપી ઉધઈ : અજીતગઢ, ટીકર અને મિયાણીમાં દિવસ રાત રેતી કાઢતા હુડકા : ચાડધ્રામાં લોહિયાળ ઝઘડાને કારણે રેતી કાઢવાનું બંધ પોલીસની ચુનંદા ટીમ પણ ગોરખધંધા સામે લાચાર હોય તેવી સ્થિતિ : સ્થાનિક ખાખીને 15,000નો ગાડી દીઠ હપ્તો : ખાણખનીજ વિભાગ માટે રેતીના ધંધાર્થીઓ એટીએમ જેવા મોરબી : મોરબી જિલ્લો રેતમાફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. ખાસ કરીને હળવદ પંથકમાં બ્રાહ્મણી નદીમાંથી નીકળતી કાચા સોના સમાન ભોગાવો રેતીની રાજકોટ, જામનગર અને મોરબીમાં ભારે ડિમાન્ડ રહેતી હોય ખાણખનીજ વિભાગની મંજૂરી વગર હાલમાં બ્રાહ્મણી નદીમાં હુડકા ઉતારી દિવસ રાત રેતીચોરી કરવામાં આવી રહી છે. ચોંકાવનારી વાત તો એ છે કે રેતીના આ ગોરખધંધામાં છાસવારે લોહિયાળ ખેલ પણ ખેલાય છે અને ગત અઠવાડિયે હળવદના ચાડધ્રા ગામે આવો જ લોહિયાળ ખેલ ખેલાયા બાદ આ ગામમાં હાલ પૂરતું રેતી કાઢવાનું બંધ થયું છે. જયારે ટીકર, મિયાણી અને અજીતગઢમાં આજે પણ દિવસ-રાત રેતમાફિયાઓ નદીને કોતરી ખાઈ રહ્યા છે અને સ્થાનિક પોલીસ ગાડી દીઠ 15,000નો હપ્તો વસૂલી મૌન ધારણ કરીને બેસી ગઈ છે. મોરબી જિલ્લામાં ખાણખનીજ વિભાગ, આરટીઓ અને રાજકીય લોબીના ત્રિવેણી સંગમથી રેતીચોરીનું જબરદસ્ત કારસ્તાન ચાલી રહ્યું છે અને આ ત્રિવેણી સંગમમાં ખલેલ પહોંચાડવાનું પોલીસતંત્ર પણ ઉચિત માનતું ન હોવાથી હળવદ અને વાંકાનેર પંથકમાં રેતમાફિયાઓ બેકાબુ બન્યા છે. જો કે હાલમાં વાંકાનેર પંથકમાં રેતીચોરીનું પ્રમાણ મહદઅંશે ઘટ્યું છે પરંતુ હળવદ પંથકમાં બ્રાહ્મણી નદીમાં સોના સમાન ભોગાવો રેતી નીકળતી હોય અને આ રેતીની રાજકોટ, જામનગર અને મોરબીમાં ભારે માંગ રહેતી હોવાથી હળવદ પંથકમાંથી દૈનિક 200થી 300 ડમ્પર-આઇવા ભરીને રેતીની ખનીજચોરી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે હળવદ તાલુકામાં ટીકર, અજીતગઢ, મિયાણી અને મયુરનગર ગામમાં સ્થાનિક આગેવાનો અને વગદારોની છત્રછાયા હેઠળ હાલમાં બ્રાહ્મણી નદીમાં પાણી ભરેલ હોવાથી 15થી 20 જેટલા હુડકા ઉતારવામાં આવ્યા છે અને 25થી 30 જેટલા હિટાચી મશીન અને લોડર દ્વારા રેતમાફિયાઓ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી રહ્યા છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે મોરબી ખાણખનીજ વિભાગના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ હળવદની બ્રાહ્મણી નદીમાં ગેરકાયદેસર રીતે થતા રેત ખનન મામલે બધું જાણતા હોવા છતાં સ્થાનિક જગ્યાએ દરોડા પાડવા તો ઠીક તપાસ કરવા માટે પણ જતા નથી અને સ્થાનિક લોકોના અંતે રેતમાફિયાઓ ખાણખનીજ વિભાગ માટે એટીએમ સમાન હોવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું ભાર આવ્યું છે. બીજી તરફ હળવદમાં દિવસે અને રાત્રે મળી અંદાજે 250થી 300 ડમ્પર અને આઇવા ટ્રક ખુલ્લેઆમ રેતીચોરી કરી ઓવરલોડ ચાલતા હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ પગલાં લેવાતા નથી અને આ પાછળ મહિને દહાડે ગાડી દીઠ 15,000નો તગડો હપ્તો મળતો હોવાનું અને રાજકીય માથાઓ આ ધંધામાં સંડોવાયેલ હોય પોલીસની ચુનંદા ટીમો પણ આ ગોરખધંધા સામે લાચાર હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે. હાલમાં ચોમાસુ ઢુંકડું હોવાથી રેતમાફિયાઓ દ્વારા દિવસ-રાત રેતી કાઢી અલગ અલગ જગ્યાએ રેતીના સટ્ટા કરવામાં આવી રહ્યા છે અને કાળી કમાણી માટેના રેતીના આ ગોરખધંધામાં હળવદ પંથકમાં છાસવારે લોહિયાળ ઝઘડા પણ થઇ રહ્યા છે અને ગત અઠવાડિયે જ ચાડધ્રા ગામમાં રેતીના હિટાચી મામલે લોહિયાળ ડખ્ખો સર્જાતા હાલમાં હળવદના ચાડધ્રા ગામમાં રેતી કાઢવાનું બંધ થયું છે. આ સંજોગોમાં જિલ્લા પોલીસવડા અને ખાણખનીજ અધિકારી દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવે તો જ બ્રાહ્મણી નદીને કોરી ખાતા રેતમાફિયા ઝેર થાય તેમ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.