ગ્રામજનોનું ટોળું નદીમાં દોડી ગયું : હવે રેતીચોરી થશે તો કરીશું જનતા રેડ હળવદ : હળવદ પંથકમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીના પટમાં પાછલા ઘણા વર્ષોથી બેફામપણે રેત માફિયાઓ રેતી ચોરી કરી રહ્યા છે. જેથી, અનેકવાર બ્રાહ્મણી નદી કાંઠે આવેલા ગામોના ગ્રામ્યજનો સ્થાનિક કક્ષાએથી માંડી ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરતા હોય છે પરંતુ જવાબદાર તંત્ર દ્વારા માત્ર કહેવા પૂરતી જ કામગીરી કરી સંતોષ માની લેવાતો હોય છે. પરંતુ આજ દિન સુધી રેતી ચોરી અટકાવવા કોઈ અસરકારક કામગીરી નહીં કરી હોવાનું લોકો જણાવી રહ્યા છે. આજે હળવદ તાલુકાના માનગઢ ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં જે માનગઢ ગામને પીવા માટે નર્મદાનુ પાણી પૂરું પાડવા પાઇપલાઇન નખાઈ છે, તે પાઇપલાઇનને રેત માફિયાઓ દ્વારા તોડી નખાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને ગ્રામજનો ટોળુ નદીકાંઠે દોડી જઇ હવે જો અહિ રેતીચોરી થશે તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે. બ્રાહ્મણી નદીના પટમાં રેત માફિયાઓ મોટા પાયે રેતી ઉલેચી રહ્યા છે. સાથે સાથે જવાબદાર તંત્ર દ્વારા પણ રેતી માફિયાઓ પર દરોડા પાડવામાં આવતા હોય છે ત્યારે માત્ર જે જગ્યાએ ૧૫થી વધુ હિટાચી મશીન ચાલતા હોય ત્યાં માત્ર બેથી ત્રણ ઝડપી લઇ સંતોષ માની લેવાતો હોય છે અને કાર્યવાહી કરી થોડા કલાકો બાદ જ રેતી માફિયાઓ રાબેતા મુજબ રેતી ચોરી કરતા હોય છે. તેવામાં તાલુકાના રણકાંઠાના માનગઢ ગામે પીવાનું પાણી બગડી ગયું હોય, જેથી તેઓને નર્મદાનું પાણી આપવામાં આવતું હોય છે. જે પાઇપલાઇન બ્રાહ્મણી નદીમાંથી પસાર થતી હોય, જેને રેત માફિયાઓ દ્વારા તોડી નખાતા ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આજે ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો બ્રાહ્મણી નદી ખાતે દોડી જઇ ચીમકી ઉચ્ચારી છે કે હવે જો અમારા ગામ પાસેથી પસાર થતી નદીમાં રેત માફિયાઓ દ્વારા રેતીનું ખનન કરવામાં આવશે તો ગ્રામજનો જનતા રેડ કરશે. જેની જવાબદાર તંત્રએ ખાસ નોંધ લેવી તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.