આવતીકાલે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ હોવાથી રામકથા સવારે 10ને બદલે 11 વાગ્યે કથા શરૂ થશે તેવી જાહેરાત કરી લોકોને એક કલાક રાષ્ટ્ર માટે શ્રમદાન કરવા અપીલ કરી ભારત બલિષ્ઠ રાષ્ટ્ર છે, કેનેડાને હવે સમજાયું ! રામ કથામાં કેનેડાનો મુદ્દો ચમક્યો મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનાની આજે વરસી છે ત્યારે મોરબીમાં આજે 30 ઓક્ટોબરથી પ્રખર રામાયણી પૂજ્ય મોરારીબાપુની રામચરિત માનસ કથાનો પ્રારંભ થયો છે, મોરબીમાં ઝૂલતાપૂલ દુર્ઘટનાના દિવંગતો માટે યોજાયેલ આ રામકથાને મોરારીબાપુએ માનસ શ્રદ્ધાંજલિ કથા નામ આપ્યું હતું. પોથીયાત્રા બાદ રામચરિત માનસ કથાના પ્રારંભે કથા માહત્મ્ય સમજાવતા પૂજ્ય મોરારીબાપુએ રામચરિત માનસના બાલ્ય કાંડના બે દોહા વિષે શ્રોતાઓને સમજ આપી હતી, સાથે જ કથાના પ્રારંભે મહાનુભાવો દ્વારા બાપુનું સન્માન કરી શાલ આપવામાં આવતા માર્મિક રીતે તેઓએ વર્તમાન સમયમાં સનાતન ધર્મ માટે શાલ નહીં પણ મશાલની પ્રકાશરૂપી જરૂરત હોવા ઉપર ભાર મૂકી આ શાલને તેઓએ મશાલરૂપે સ્વીકારી હોવાનું જણાવ્યું હતું. સાથે જ ભારત બલવાન રાષ્ટ્ર હોવાનું ગર્વ ભેર જણાવી કુણા પડેલા કેનેડાનો દાખલો આપ્યો હતો.રામચરિત માનસ કથાનું મહાત્મ્ય સમજાવતા પૂ.મોરારીબાપુએ શ્રોતાઓને રામ ચરિત માનસ કથાને સાત સોપાન એટલે કે બાયાની સીડી હોવા અંગે સરળ સમજ આપતા કહ્યું હતું કે, કથાનું પહેલું પગથિયું બાલ્ય કાંડ છે, જયારે બીજું પગથિયું અયોધ્યા, ત્રીજુ પગથિયું અરણ્ય કાંડ, ચોથું પગથિયું કિસકીંધા, પાંચમું પગથિયું સુંદરકાંડ, છઠ્ઠું પગથિયું લંકા અને સાતમું પગથિયું ઉત્તર કાંડ છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, અગાઉ આ સાત પગથિયાની સીડી દરેક ઘરમાં રાખવામાં આવતી આ સાત પગથિયામાં જ સમગ્ર જીવનચક્રના ઉતરો આવતા હોવાનું તેમને શ્રોતાઓને સમજાવ્યું હતું.સાથે જ મોરારીબાપુએ આવતીકાલે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ હોવાથી રામકથા સવારે 10ને બદલે 11 વાગ્યે કથા શરૂ થશે તેવી જાહેરાત કરી લોકોને એક કલાક રાષ્ટ્ર માટે શ્રમદાન કરવા અપીલ કરી તેઓ પોતે પણ એક કલાક માટે કબીરધામ ખાતે શ્રમદાન કરશે તેવું જાહેર કર્યું હતું.કથાના પ્રારંભે કથાનું માહાત્મ્ય સમજાવતા પૂ. મોરારીબાપુએ રામચરિત માનસના બાલ્ય કાંડનો દોહો ગાઈ કહ્યું હતું કે, બંદઉ સંત સમાન ચિત હિત અનહિત નહિં કોઇ, અંજલિ ગત સુભ સુમન જિમિ સમ સુગંધ કર દોઇ દોહો વર્ણન કર્યો હતો સાથે જ એક વ્યક્તિએ કરેલા સવાલ અંગે દાખલો આપતા કહ્યું કે, મને પૂછ્યું કે, ઈશ્વર અને બુદ્ધ પુરુષમાં ફર્ક શું ? બાપુ કહે છે બન્ને વચ્ચે બહુ ફર્ક છે... રામ, કૃષ્ણ, શિવ, માં દુર્ગા, હનુમાનજી ગણેશજી બધા પરમ તત્વ છે, પરમ તત્વમાં જડ અને ચેતન પણ હોય સ્વર્ગ પણ હોય નર્ક પણ હોય, રામચરિત માનસમાં તુલસીજીએ બાલકાંડમાં પરમ તત્વ વિષે બાલ્યકાંડમાં ઘણું કહ્યું છે, જયારે બુદ્ધ પુરુષ સમચિત હોય એ જટિલ ન હોય તે સરળ જ હોય દેશ, દુનિયામાં થયેલા બુદ્ધ પુરુષ સરળ જ રહ્યા છે...સાધુ તે છે જેને કોઈ સાથે વેર નથી, મિત્રતા નથી બધા સમાન છે તેમ કહી સાધુ વિષે સમજ આપી હતી.જયારે બીજા દોહામાં મોરારીબાપુએ ' જે શ્રધ્ધા સમબલ રહિત નહીં સંતન કા સાથ, તિનક: માનસ અગમ અતિ જિનહીન પ્રિય રઘુદાસ' દોહાનું વર્ણન કરી શ્રદ્ધા નહોય, સાધુ નો સાથ ન હોય તો આપણે આપણ ને જ ઓળખી શકતા નથી કહી દોહાના એક એક શબ્દનો બૃહદ અર્થ સમજાવ્યો હતો.રાવણ વિષે મોરારીબાપુ કહે છે કે, રાવણમાં પાંચ ઉત્તમ તત્વો હતા જેમાં રાવણ બળવાન,ધનવાન,તપવાન,બુદ્ધિવાન છે અને વિદ્યાવાન છે પરમાત્માની કૃપા હોય તો જ આવા પાંચ ગુણો મળે પણ સાથે પાંચ કમજોરી પણ હતી નીતિવાન ન હતો, ધર્મવાન ન હતો, શીલવાન નથી, ભજનવાન નથી તેવું કહી આજે મારી, તમારી બધાની સ્થિતિ હોવાનું તેઓએ જણાવી સુગમ સંતોની વંદના કરવા જણાવી બુદ્ધપુરુષનું મહત્વ કહ્યું હતું. કથાના પ્રથમ દિવસે યજમાન સાંસદ મોહનભાઇ કુંડારીયા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વડવાળા ધામના કનીરામબાપુ સહિતના સંતો,મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રથમ દિવસની કથાના સમાપનમાં ઝૂલતાપૂલની દુર્ઘટનાના 135 મૃતકોના પરિવારજનોના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી.