મોરબી : મોરબીના મચ્છુ -2 ડેમમાંથી વિતરણ કરાતું પાણી હમણાંથી દુર્ગધવાળું અને પીળાશયુક્ત આવી રહ્યાની બુમરાણને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. પાલિકા તંત્રએ આજે પીળાશયુક્ત પાણીના નમૂના લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. મોરબીના મચ્છુ -2 ડેમમાંથી મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ હમણાં લોકડાઉન વચ્ચે મચ્છુ ડેમમાંથી વિતરણ કરાતું પાણી એકદમ પીળાશયુક્ત આવી રહ્યું છે. પાણી એકદમ પીળું હોવાની સાથે વાસ પણ મારે છે.લોકોની આ ફરિયાદને પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું. જેમાં ગઈકાલે નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ સહિતનાઓ આ બાબતની ખરાઈ કરવા ફિકટર હાઉસ ખાતે દોડી ગયા હતા અને યોગ્ય ચેકિંગ કરીને ફિલ્ટર પ્લાન્ટ ક્લીન કરાવ્યા હતા તેમ છતાં પણ પીળાશયુક્ત પાણી આવવાની સમસ્યા યથાવત રહેતા આજે પાલિકા તંત્ર વધુ એલર્ટ બન્યું હતું અને તંત્રએ પીળાશયુક્ત પાણીના નમૂના લઈને રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. બે ત્રણ દિવસમાં જ આ પાણીના રિપોર્ટ આવી જશે. તેથી, પાણી કેમ આવું આવી રહ્યું છે તે અંગેની બે ત્રણ દિવસમાં જ સ્પષ્ટતા થશે તેવું ચીફ ઓફિસરે કલ્પેશ ભટ્ટે જણાવ્યું હતું.