મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મૂળ ટંકારાના નસીતપર ગામના આરોપીને પકડી પાડ્યોમોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક વિજય ટોકીઝ પાસેથી ચારેક દિવસ પૂર્વે મહિલાના હાથમાંથી રોકડ ભરેલા પર્સની ચિલઝડપ કરનાર સમડીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અગાઉ પણ આ આરોપી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ચોપડે ચડી ચુક્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.25ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યાના સમયે મોરબી જુનાબસસ્ટેન્ડથી વિજય ટોકીઝવાળા રોડ ઉપરથી મીનાબેન રમેશભાઇ ભવાણીયા રહે.મોરબી નવલખીરોડ લાયન્સનગર સરમરીયા દાદા મંદીર સામે વાળાના હાથમાંથી રોકડ રૂ.12 હજાર તથા ડોકયુમેન્ટ ભરેલ પર્સની ચીલઝડપ કરી અજાણ્યો મોટરસાયકલ ચાલક નાસી ગયેલ હતો. આ બનાવ બાદ સીટી એ ડિવિઝન પોલીસે નેત્રમ સીસીટીવી કેમેરા તેમજ હયુમન સોર્સીસના આધારે હિરેન ઉર્ફે રવી છગનભાઇ નિમાવત, ઉ.30, રહે.મોરબી શનાળા બાયપાસ આનંદનગર મનસુખભાઇ પટેલના મકાનમા મુળ રહે.નશીતપર તા.ટંકારા વાળાને ઝડપી લઈ રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આરોપી હિરેન ઉર્ફે રવિ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અલગ અલગ ત્રણ ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. આરોપીના કબ્જામાંથી રોકડ ઉપરાંત એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-36-AG-6144 કિમત રૂપિયા 40 હજાર વાળુ કબ્જે કરેલ છે.આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, પીએઆઈ એ.વી.પાતળીયા, એએસઆઈ રાજદીપસિહ રાણા, હેડ કોન્સ્ટેબલ અંબાપ્રતાપસિંહ જાડેજા, કિશોરભાઇ મિયાત્રા, ચકુભાઇ કરોતરા, પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઇ ગરીયા, તેજાભાઇ ગરચર, હિતેષભાઇ ચાવડા સહિતના સ્ટાફે કરી હતી.