ચાર શખ્સોએ મહિલા અને પુરુષને બેફામ માર મારતા સારવારમાં હળવદ : હળવદ તાલુકાના ટિકર ગામે ભત્રીજાએ કરેલા પ્રેમ લગ્નનો ખાર રાખી ચાર ઈસમોએ કાકા અને અન્ય એક મહિલા ઉપર લાકડી, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત બનેલા દિયર ભાભીને સારવાર માટે હળવદ અને મોરબી ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ટિકર ગામે રહેતા અને પાન - મસાલાની દુકાન ધરાવતા દિલીપભાઈ હરજીભાઈ ચૌહાણના ભત્રીજા રવીએ પ્રેમ લગ્ન કર્યા હોય એ બાબતનો ખાર રાખી આરોપી રાજેશ બાલાભાઈ એરવાડિયા, મહેશભાઈ ઈશ્વરભાઈ દેથરીયા, અલ્પેશ હિરજીભાઈ ગોઠી અને હિમાંશુ શાંતિલાલ એરવાડિયા નામના શખ્સોએ દિલીપભાઈ ગ્રામ પંચાયત નજીક બેઠા હતા ત્યારે અચાનક આવી લાકડાના ધોકા, લાકડી સહિતના હથિયાર વડે હુમલો કરજ ઢીકા પાટુનો માર માર્યો હતો અને તેમના ભાભી પૂજાબેન વચ્ચે છોડાવવા પડતા આરોપીઓએ તેમને પણ માર માર્યો હતો. બનાવ બાદ ગ્રામજનો એકત્રિત થઈ જતા 108 મારફતે ફરિયાદી દિલીપભાઈ તેમજ તેમના ભાભીને સારવાર માટે હળવદ સરકારી દવાખાને ખસેડયા હતા જ્યાં પૂજાબેનને વધુ ગંભીર ઇજાઓ હોય વધુ સારવાર માટે મોરબી રીફર કર્યા હતા. ઘટના અંગે હાલ દિલીપભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે ચારેય આરોપીઓ અને તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.