મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. રવાપર રોડ સહિતના પોશ વિસ્તારમાં નમકીન, નાસ્તાના પેકીંગ મેન્યુફક્ચરિંગ ડેઈટ વગરના હોવા મામલે જાગૃત મહિલાએ અવાજ ઉઠાવ્યો : દુકાનદાર કહે લેવું હોય તો જ લ્યો ! મોરબી ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કરી સપાટો બોલાવવામાં આવશે મોરબી : મોરબીના પછાત વિસ્તારોમાં તો ઠીક પરંતુ રવાપર રોડ અને શનાળા રોડ જેવા પોશ વિસ્તારમાં શોરૂમ જેવી દુકાનોમાં વેચાતા બ્રાન્ડેડ નમકીન, નાસ્તાના પેકેટ ઉપર મેન્યુફેક્ચરિંગ ડેઈટ જ લખાતી ન હોવાની ચોંકાવનારી બાબત જાગૃત મહિલાના ધ્યાને આવતા આ મામલે મહિલાએ અવાજ ઉઠાવ્યો છે. બીજી તરફ આ મામલાની જાણ થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. મોરબીના જાગૃત નાગરિક નિકિતા પટેલે મોરબી અપડેટને ફરિયાદ સ્વરૂપે જણાવ્યું હતું કે, તેઓ પેકિંગ વાળા નાસ્તા, નમકીન વેચતી બે ત્રણ દુકાનની મુલાકાત લીધી ત્યારે તેઓના ધ્યાનમાં એક વાત આવી કે આવા પેકિંગ પર મેનિફેકચરીગ ડેટ લખેલી જ નથી હોતી. મોટાભાગની આવી પ્રોડક્ટ ઉપર બેસ્ટ બિફોર લખેલુ હોય છે પણ એની ઉત્પાદન તારીખ લખેલી હોતી નથી. વધુમાં દુકાનદાર ને જ્યારે આ વિશે વાત કરી ત્યારે એમણે ઉડાવ જવાબ આપતા જણાવ્યું કે, એવો ટાઈમ ના હોય એ લોકોને, બધુ તાજુ જ આવતુ હોય, આ મામલે દુકાનદાર સાથે દલીલ કરતા તેને સ્પષ્ટ પણે જણાવી દીધું કે તમને ના પસંદ હોય તો અમારે ત્યાંથી વસ્તુ ના લેશો. તમે બીજી કોઈ દુકાનેથી લઈ લો. વધુમાં નિકિતાબેન પટેલે ઉમેર્યું કે તેમના જેવા ગૃહીણીઓને બહુ કાયદાકાનૂનની ખબરના પડતી હોય અને એક બે નહિ મોટાભાગની દુકાનમાં આવો ખાદ્ય પદાર્થ વેચવામાં આવતો હોય જનહિતમાં સરકારી તંત્રએ પગલાં ભરવા અત્યંત આવશ્યક છે. બીજી તરફ મોરબીના રવાપર રોડ, શનાળા રોડ, નગર દરવાજા સહિતના પોશ વિસ્તારમાં આવા ખાદ્ય પદાર્થ ખુલ્લેઆમ વેચાઈ રહ્યા હોવા અંગે મોરબી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પૂછતાં સતાવાર સૂત્રોએ આ મામલે ઝુંબેશ રૂપ કામગીરી કરી નમૂના લઈ નોટિસ ફટકારવામાં આવશે તેવું મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.