સાહિલને કુરિયર સર્વિસના માલિકે ડ્રગ્સ કેસમાં ફસાવ્યો, બાદમાં ત્યાં જેલવાસ દરમિયાન પ્રલોભન આપી આર્મીમાં સામેલ કરાયો, સાહિલે કોઈને નુકસાન પહોંચાડ્યા વગર યુક્રેનમાં આત્મસમર્પણ કરી દીધું : સાહિલના માતાએ સમગ્ર ઘટના અંગે વિગતો કરી જાહેરમોરબી : મોરબીનો 22 વર્ષીય યુવાન સાહિલ માજોઠી જે રશિયન આર્મી તરફથી યુદ્ધ લડી રહ્યો હતો. તેને યુક્રેનમાં આત્મસમર્પણ કરી દેતા હાલ તે યુક્રેનમાં બંદી છે. આ યુવાનના માતા હસીનાબેને કહ્યું કે સાહિલ નિર્દોષ છે. તેને ડ્રગ્સ કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યો, બાદમાં પ્રલોભન આપી આર્મીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને આશા છે કે સરકારની મદદથી સાહિલ ઘરે પરત ફરશે.હસીનાબેન માજોઠીએ જણાવ્યું કે સાહિલે મોરબીમાં ધો.12 સુધી અભ્યાસ કર્યો છે. તેને સાયન્સમાં એ ગ્રુપ રાખ્યું હતું. એક વર્ષ તેને ભણવામાં બ્રેક રાખી ટાઇલ્સ કંપનીમાં કામ કર્યું હતું. અમારા ઘરમાં ભણેલા અને સરકારી નોકરિયાત છે.રશિયા તે એન્જીનિયરિંગ કરવા ગયો હતો. જાન્યુઆરી 2024માં તે રશિયા ગયો હતો. ત્યાં 3 મહિનાનો ભાષાનો કોર્ષ ચાલતો હતો. આ દરમિયાન તે કુરિયર સર્વિસમાં જોબ કરતો હતો. ત્યારબાદ મોસ્કોની સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ મળવાનો હતો. કુરિયર સર્વિસના માલિકને ડ્રગ્સનો પણ કારોબાર હતો તે અંગે સાહિલને ખબર ન હતી. સાહિલને એવું કહેવામાં આવ્યું હતું કે તે કિચનની આઈટમો કુરિયર કરે છે. એક મહિના સુધી ત્યાં સાહિલે કામ કર્યું હતું. બાદમાં સાહિલને કુરિયર સર્વિસના માલિક દ્વારા પાર્સલ આપવામાં આવ્યું હતું. રસ્તામાં જ પોલીસે પકડી પાર્સલ ચેક કરતા ડ્રગ્સ નીકળ્યું હતું. પોલીસે પણ સ્વીકાર્યું કે તેને બાતમીનો ફોન આવ્યો હતો કે સાહિલ નામના વ્યક્તિના પાર્સલમાં ડ્રગ્સ છે. આમ તેને ફસાવવામાં આવ્યો હતો. નીચલી અદાલતમાં ફેંસલો આવી ગયા બાદ અમે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. સાહિલને ભારત ડિપોર્ટ કરાવવા માટે અમે પ્રાઇવેટ વકીલ પણ રાખ્યો હતો. તે 19 મહિના સુધી જેલમાં રહ્યો હતો. બાદમાં સાહિલને રશિયન આર્મી તરફથી પ્રલોભન આપવામાં આવ્યું હતું. તેને આર્મી અંગે કઈ ખ્યાલ જ નહોતો. 1 વર્ષ આર્મીમાં સેવા આપશે તો તેને છોડી દેવામાં આવશે તેવા કરાર સાથે સાહિલને આર્મીમાં સામેલ કરી લીધો હતો. આ દરમિયાન અમને એક ફ્રોડ મેસેજ પણ આવ્યો કે સાહિલને ભારત પરત લાવવો હોય તો રૂ.1 કરોડ આપો. અમે રશિયાની પોલીસને આ મામલે ફરિયાદ કરતા માલુમ પડ્યું કે આ ફ્રોડ મેસેજ હતો. જેલમાં હતો ત્યારે એવી ઓફર પણ આવી કે રશિયન સિટીઝનશીપ મેળવી લે તો મકાન, જોબ સહિતની સુવિધા આપશે. અમે અને સાહિલે આ વાતની ચોખ્ખી ના પાડી હતી. અમે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ કે અમારા સાહિલને છોડાવી આપે. તે નિર્દોષ છે. તેને યુક્રેનમાં કોઈને નુકસાન પહોંચાડયા વગર જ આત્મસમર્પણ કર્યું હતું. અમે મુખ્યમંત્રીને રજુઆત કરવા ગયા હતા પણ તેઓ વ્યસ્ત હતા. અમને બે દિવસનો સમય આપ્યો હતો. એટલે હવે સોમવારે અમે ફરી જશું. મને વિશ્વાસ છે મારો દીકરો પરત આપશે. મને કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર વિશ્વાસ છે તેઓ સાહિલને પરત લાવશે.