આરોપી સુરત, મુંબઈ અને દિલ્હી રહ્યો હતો, કૌભાંડમાં જમીન ખરીદનાર તે હતો અને નાણાકીય જવાબદારી તેને ઉઠાવી હતી : અત્યાર સુધી કુલ 5 આરોપીઓની સીઆઇડી દ્વારા કરાઈ છે ધરપકડમોરબી : મોરબીના ચકચારી વજેપર રેવન્યુ સર્વે નંબર 602ની કરોડોની કિંમતી ખેતીની જમીન ગેરકાયદેસર રીતે વારસાઈ નોંધ કરાવી બાદમાં દસ્તાવેજ કરી પચાવી પાડવાના પ્રકરણમાં અગાઉ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પાંચમા અને મુખ્ય આરોપી એવા સાગર ફુલતરિયાની દિલ્હીથી ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તા.1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વજેપરમાં સર્વે નંબર-૬૦૨ની જમીનમા બોગસ ડોક્યુમેન્ટના આધારે વારસાઈ નોંધ કરાવી હડપ કરવા મામલે મોરબી શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં શાંતાબહેન મનજીભાઈ પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામ ફુલતરિયા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં અગાઉ સીઆઇડી ક્રાઈમ દ્વારા આરોપી ભરત દેગામા અને હેતલ ભોરણીયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ શાંતાબેન મનજીભાઇ પરમાર રહે. લાભનગર, વેજીટેબલ રોડ, મોરબી અને સાગર નવઘણભાઇ સાવધાર રહે. રબારીવાસ, મોરબીવાળાની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ મુખ્ય આરોપી એવા તરઘરીના સરપંચ સાગર ફુલતરીયાની પણ સીઆઇડી દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે ડીવાયએસપી આર.એસ.પટેલે વિગતો આપતા જણાવ્યું કે આ આરોપીએ જમીન ખરીદી હતી. નાણાકીય જવાબદારી તેને ઉઠાવી હતી. આજે તેને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. આ આરોપી અગાઉ સુરત અને મુંબઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સાગર ફૂલતરીયાએ અગાઉ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પણ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.