મોરબી : સાળંગપુરનાં હનુમાનજી મંદિરના ભીંતચિત્ર વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. આજે વહેલી સવારે 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રોને હટાવી દેવામાં આવ્યા છે. નીલકંઠ વર્ણીને હનુમાનજી નમન કરતા હોવાના ચિત્રો દૂર કરવામાં આવ્યા છે. તેની જગ્યાએ હવે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીના વિવાદાસ્પદ ભીતચિત્રોના વિવાદમાં ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ અમદાવાદમાં પણ તમામ સંતો-મહંતોની બેઠક યોજાઈ હતી. જે બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા કહેવામાં આવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો ભાગ છે. જે ભીંતચિત્રો છે, તે આવતીકાલે સૂર્યોદય પહેલા હટાવી લેવામાં આવશે. આ જાહેરાત મુજબ આજે વહેલી સવારમાં તમામ વિવાદિત ભીંતચિત્રો હટાવી દઈ ત્યાં નવા ભીંતચિત્રો મુકવામાં આવ્યા છે અને હજુ પણ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.