સિરામિક અને સેનેટરી વેર માટે મોરબીમાં આવવાની ઈચ્છા : રશિયન ફેડરેશન ઓફ બિલ્ડર એસો.ના પ્રમુખનવી દિલ્હી : નવી દિલ્હીમાં આજથી શરૂ થયેલા વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોમાં રશિયન ડેલીગેશન મોરબીના સિરામિક અને સેનેટરી વેર ઉપર ફિદા થયા છે. તેઓએ રૂબરૂ આવીને સિરામિક અને સેનેટરી વેર પ્રોડક્ટ જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે.દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લ્યુઝોન પ્રસ્તુત 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું ઉદઘાટન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા આજરોજ નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યુ છે. આ એક્સપો તા.16 સુધી ચાલવાનો છે. આ એક્સપોમાં 250થી વધુ પ્રદર્શકો, 50,000થી વધુ સ્થાનિક મુલાકાતીઓ અને 700થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લઈ રહ્યા છે. આ એક્ઝિબિશનમાં રશિયાથી પધારેલા રશિયન રશિયન ફેડરેશન ઓફ બિલ્ડર એસો.ના પ્રમુખ એન્તોન ગ્લુસ્કોવે જણાવ્યું કે અમે મુખ્યત્વે સિરામિક અને સેનેટરી વેર માટે આ એક્ઝિબિશનમાં આવ્યા છીએ. એક્ઝિબિશન ખુલ્લું મુકાયું એટકે તુરંત જ અમે 20થી વધુ સિરામિક અને સેનેટરી વેરના સ્ટોલની વિઝિટ લઈ લીધી છે. મોટાભાગના લોકોએ મોરબી આવવા આમંત્રણ આપ્યું. હું જરૂરથી મોરબી જઈશ અને સિરામિક અને સેનેટરી વેરની પ્રોડક્ટ જોઇશ. આ માટે અમે ઉત્સાહિત છીએ.