મોરબીની મુલાકાતે આવેલા પશ્ચિમ રેલવેના મેનેજરને સિરામિક એસો.એ કરી રજુઆત : મોરબીથી ભુજ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, હરિદ્વારની સીધી ટ્રેન સેવા શરૂ કરવા તેમજ અવારનવાર બંધ થઈ જતી ડેમુ ટ્રેન સેવા નિયમિત કરવાની પણ માંગણીમોરબી : મોરબી જે ઔદ્યોગિક હબ છે. છતાં પણ રેલવે સુવિધા મેળવવામાં હજુ પણ ઘણું પાછળ છે. તેવામાં પશ્ચિમ રેલવેના મેનેજર આજે મોરબી આવ્યા હોય સિરામિક એસોસિએશન દ્વારા તેઓને રજુઆત કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક ઘટાડવા ડેમુ ટ્રેનને નઝરબાગ સુધી જ ચલાવવા અને લાંબા રૂટની ટ્રેનો આપવાની માંગ કરવામાં આવી છે. સાથે અવાર નવાર બંધ થતી ડેમુ ટ્રેન સેવાને નિયમિત જાળવવાની પણ માંગ કરાઈ છે.પશ્ચિમ રેલવેના મેનેજર વિવેકકુમાર ગુપ્તા આજે મોરબીની મુલાકાતે આવ્યા હતા. ત્યારે સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ રૂબરૂ મળી તેઓને મૌખિક અને લેખિત રજુઆત કરી હતી. આ રજુઆતમાં વિટ્રીફાઇડ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ હરેશભાઇ બોપલીયા, ફ્લોર ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ સંદીપભાઈ કુંડારીયા અને સેનેટરીવેર ડિવિઝનના પ્રમુખ અજયભાઈ મારવાણીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદષ્ટિ નેતૃત્વ હેઠળ મોરબી રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ 'અમૃત ભારત સ્ટેશન યોજના' અંતર્ગત ૯ કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે, આ સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ મે ૨૦૨૫માં કરવામાં આવ્યું હતું. મોરબી શહેર તેના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ અને વિકસતા મીઠાના ઉદ્યોગ માટે સમગ્ર દેશમાં ઓળખાય છે, આ ઔદ્યોગિક હબને કારણે દેશના વિવિધ ભાગોમાંથી વેપારીઓ, મજૂરો અને મુસાફરોની મોરબીમાં સતત અવરજવર રહે છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને મોરબી માટે વધુ સુદ્રઢ રેલવે કનેક્ટિવિટી અત્યંત આવશ્યક બની છે.હાલ મોરબીમાં માત્ર બે સાપ્તાહિક લાંબા અંતરની ટ્રેનો (ગાંધીધામ-કામાખ્યા અને ગાંધીધામ-બાંદ્રા) ઉપલબ્ધ છે. તેમજ મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ સેવા ઘણીવાર પૂર્વ સૂચના વિના રદ થઈ જાય છે, આ સેવા ખાસ કરીને સિરામિક ઉદ્યોગના મજૂરો માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેઓ સસ્તા દરે દૈનિક મુસાફરી માટે આ સેવાનો આધાર લે છે. તેની અનિયમિતતા તેમને ભારે મુશ્કેલી ઉભી કરે છે.ગાંધીધામથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનોને મોરબી સ્ટોપેજ આપવામાં આવેહાલ મોરબીમાં માત્ર બે લાંબા અંતરની ટ્રેનોના જ સ્ટોપેજ છે. ગાંધીધામ-બાંદ્રા ટ્રેનની ફ્રીક્વન્સી વધારવા તેમજ ગાંધીધામથી પ્રસ્થાન કરતી અનેક ટ્રેનોને મોરબીમાં સ્ટોપેજ આપવા માંગ છે. આથી મુંબઈ, દિલ્હી, સુરત, અમદાવાદ, જયપુર અને ઉત્તર-પૂર્વ ભારત સાથેનું કનેક્શન વધુ મજબૂત બને છે.મોરબીથી ભુજ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, હરિદ્વારની સીધી ટ્રેન સેવા શરૂ કરોમોરબી-ભુજ-પોરબંદર, મોરબી-ભુજ-સોમનાથ તેમજ મોરબી-દ્વારકા વચ્ચે સીધી ટ્રેન સેવા શરૂ કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. તેમજ રાજકોટ-હરિદ્વાર અથવા ગાંધીધામ-હરિદ્વાર વચ્ચે દૈનિક ટ્રેન સેવા શરૂ કરવી પણ અતિ આવશ્યક છે. આ દિશામાં કનેક્ટિવિટી મજબૂત કરવી સમયની માંગ બની ગઈ છેડેમુ ટ્રેનને નઝરબાગ સુધી જ ચલાવોહાલ વાંકાનેરથી મોરબી વચ્ચે ડેમુ ટ્રેન રોજ આઠ વખત આવ-જા કરે છે જે મોરબી શહેરમાં પ્રવેશતા પહેલા ચાર રેલ્વે ફાટકો પાર કરે છે, ત્યારે આ ફાટકો બંધ થતા શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે. ખાસ કરીને કેસરબાગ જેવા મહત્વપૂર્ણ લેવલ ક્રોસિંગ પાસે બ્રિજનું કામ ચાલુ હોવાથી સ્થિતિ વધુ જટિલ બની રહી છે. તેથી ડેમુ સેવાને મોરબી સ્ટેશનને બદલે નઝરબાગ સ્ટેશન સુધી જ રાખવામાં આવે તેવી માંગ છે.