જિલ્લા કલેકટરે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ખાતરી આપી લોકોને અફવામાં ન આવવા કરી અપીલમોરબી : મોરબી શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવા ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઇંધણ ભરાવવા માટે દોડી રહ્યા છે. શહેરના રવાપર રોડ પર ગાંધી ચોક પાસે આવેલા પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જ્યારે અવની ચોકડીથી ઉમિયા સર્કલ તરફ જવાના રસ્તે આવેલો પેટ્રોલ પંપ મેન્ટેનન્સના કારણે છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. આ ઉપરાંત બાયપાસ પાસેના પેટ્રોલ પંપ પર પણ લાંબી કતારો જોવા મળી રહી છે.બીજી તરફ, નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા છોટાલાલ પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ ખૂટી ગયા હોવાનું સામે આવ્યું છે, જ્યાં માત્ર 20 થી 25 વાહન પૂરતું જ પેટ્રોલ હોવાથી પંપ બંધ કરવામાં આવ્યો છે. સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસેના પંપના માલિકોના જણાવ્યા અનુસાર, તેમણે શુક્રવારે પેટ્રોલ-ડીઝલનો ઓર્ડર આપ્યો હતો છતાં હજુ સુધી ટેન્કર ન આવતા ત્યાં પણ જથ્થો ખૂટી ગયો છે. મોરબી શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર ઇંધણ ભરાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે.અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા કલેક્ટરની અપીલપેટ્રોલ પંપો પરની આ પરિસ્થિતિ અંગે મોરબીના કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે મોરબી જિલ્લા, સમગ્ર રાજ્ય કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી. એકસાથે ઘણા બધા લોકો પેટ્રોલ ભરાવવા પહોંચી જતા આ સ્થિતિ સર્જાઈ છે. જો 500 વાહનો એકસાથે ઇંધણ ભરાવવા જાય, તો 6 કલાકનો જથ્થો એક કલાકમાં પૂરો થઈ જાય છે, જેના કારણે પંપ પર જથ્થો ખાલી થઈ જાય છે. તેમણે ખાતરી આપી છે કે જો કોઈ પંપ પર જથ્થો ખલાસ થઈ ગયો હશે, તો 15 થી 20 મિનિટ કે અડધા કલાકમાં નવું ટેન્કર પહોંચી જશે અને લોકોને ઇંધણ મળી જશે. ઇન્ડિયન ઓઇલ સહિતની તમામ સરકારી અને ખાનગી કંપનીઓના જિલ્લા અને રાજ્ય કક્ષાના વડાઓ સાથે વાતચીત થઈ ચૂકી છે અને દરેક પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને પુરવઠા વિભાગ સંભાળતા અધિક મુખ્ય સચિવે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને અપીલ કરી છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. મોરબીના નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓમાં ન આવવું, ખોટી દોડધામ ન કરવી અને પેટ્રોલ પંપ પર લાઈનો ન લગાડવી કારણ કે આપણી પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.#Morbi #MorbiUpdate #PetrolDiesel #NoShortage #MorbiNews #Gujarat #StopRumors