માળિયા તાલુકાના જૂના ઘાંટીલામાં કોંગ્રેસમાંથી આવેલા આગેવાનને તાલુકા પંચાયતની ટિકિટ અપાતા 5 જૂના કાર્યકરોનો ખુલ્લો બળવોમાળિયા (મિયાણા) : મોરબીના માળિયા તાલુકાના જૂના ઘાંટીલા ગામમાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. કાંતિભાઈ અમૃતિયાના ગઢ ગણાતા આ વિસ્તારમાં ભાજપના જૂના અને પાયાના કાર્યકરોએ બળવો પોકારીને અપક્ષ ઉમેદવારી નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન ભાજપ વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિને હાલ કોંગ્રેસમાંથી લાવીને ભાજપ દ્વારા તાલુકા પંચાયતની ટિકિટ આપવામાં આવતા જૂના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વર્ષોથી પાર્ટી માટે વફાદારીપૂર્વક કામ કરતા નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પક્ષપલટુને સીધી જ ટિકિટ આપી દેવાતા કાર્યકરોની નારાજગી ચરમસીમાએ પહોંચી છે.પાર્ટીના આ નિર્ણયના સખત વિરોધમાં જૂના ઘાંટીલાના 5 જેટલા કાર્યકરોએ બળવો કરી પક્ષ સામે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવાનો અડગ નિર્ણય લીધો છે. અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કાર્યકરોમાં દિનેશ રમેશભાઈ વિડજા, કેતન રમેશભાઈ વિડજા, અરવિંદ વસુદેવભાઈ વિડજા, નરેન્દ્ર નાથાલાલ વિડજા અને કૈલાશ જાદવજીભાઈ સુરાણીનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે અને આગામી ચૂંટણીમાં ભાજપ માટે પોતાના જ ગઢમાં મોટી મુશ્કેલી ઊભી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.#Morbi #MorbiUpdate #Maliya #JunaGhantila #BJP #GujaratPolitics #Elections #MorbiNews #LocalNews #PoliticalNews