મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત આજે મોરબી આવી રહ્યા છે. જો કે, મોરબીમાં તેમનો કોઇ જાહેર કાર્યક્રમ નહી રહે, માત્ર તેઓ પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતીભાઈ ભાડેશીયાના નિવાસે ભોજન લઈ રાજકોટ તરફ રવાના થશે. પ્રાપ્ત વિગતો મુજબ સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય કચ્છના અંજાર ખાતે આરએસએસની ત્રિદિવસીય બેઠક યોજાઈ હતી જેમાં હાજરી આપવા આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત આજે રાજકોટથી હવાઈ માર્ગે રવાના થતા પૂર્વે મોરબી ખાતે પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતીભાઈ ભાડેશીયાના નિવાસે ભોજન લેવા ટૂંકું રોકાણ કરશે. જો કે મોરબી મુલાકાત દરમિયાન સંઘ સર સંઘચાલક મોહન ભાગવત કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લેનાર નથી. મોહન ભાગવતની મોરબી મુલાકાતને લઈ આજે સવારથી મોરબીના શનાળા રોડ સહિતના વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.