21,646 લોકોએ વેરો ભરપાઈ કર્યો, જેમાંથી 1472 લોકોએ ડિજિટલ પેમેન્ટ કરીને ઓનલાઈન સુવિધાનો લાભ લીધોમોરબી : મોરબી શહેરમાં મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટની સુવિધા વધે કે ન વધે પરંતુ મહાનગર પાલિકાની કડક વેરા ઉઘરાણી જોતા લોકો વેરો ભરપાઈ કરતા થઇ ગયા છે. નગરપાલિકા શાસનમાં અગાઉ 12 મહિનામાં પણ માંડ 12 કરોડની આવક થતી હતી તેવામાં ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ મહિનામાં જ 21,646 લોકોએ વેરો ભરપાઈ કરી દેતા તંત્રને 12.43 કરોડથી વધુની આવક થઇ છે.મોરબી મહાનગર પાલિકાના વેરા વસુલાત વિભાગના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2025માં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મહાનગર પાલિકા વિસ્તારના 18,407 લોકો તેમજ મહાનગર પાલિકાની હદમાં ભળેલા નવા વિસ્તારના 3239 લોકોએ અત્યાર સુધીમાં 12.43 કરોડ રૂપિયાની મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરી છે. નોંધનીય છે કે, નગરપાલિકા સમયમાં બાર મહિનાની વસુલાતની કામગીરી બાદ પણ તંત્રને 12 કરોડની આવક એકત્રિત કરવામાં આભે તારા દેખાઈ જતા હતા પરંતુ મહાનગર પાલિકાની અસરકારક અને આયોજનબદ્ધ કામગીરીને કારણે વેરા વસૂલાતમાં સારી એવી સફળતા મળી છે.વધુમાં મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકોને વેરો ભરપાઈ કરવા મહાનગર પાલિકા સુધી ધક્કો ખાવો ન પડે તે માટે ઓનલાઇન સેવા પણ શરૂ કરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકાની વેબસાઈટ mmcgujarat.in તેમજ એપ્લિકેશનમાંથી પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો ઓનલાઈન ભરી શકાય છે. હાલ વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા 1472 અરજદારે પ્રોપર્ટી ટેક્સ ઓનલાઇન ભરીને વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશનનો લાભ લીધો છે. તો વધુ ને વધુ લોકો આ ઓનલાઈન સેવાનો લાભ લે તેવો અનુરોધ કરી ચાલુ સપ્ટેમ્બર માસ રિબેટ યોજનાના લાભ માટે છેલ્લો માસ હોય તમામ મિલ્કત ધારકોને રિબેટ યોજનાનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.