NFSA હેઠળ આવતા 1.13 લાખ પરિવારો તેમજ BPL હેઠળ આવતા 4889 પરિવારોને મળશે લાભ મોરબી : કોરોના મહામારીને લઈને ઉભી થયેલી પરિસ્થિતિમાં ગરીબ તેમજ નિમ્નમધ્યમ વર્ગના લોકોને રોકડ સહાય આપવાના કાર્યક્રમ અંતર્ગત આવતી કાલે સોમવારને તારીખ 20 એપ્રિલથી રાહત મળવાપાત્ર લોકોના બેંક ખાતામાં સરકાર તરફથી 1000 રૂપિયાની સહાય રાશી આપવાનું આયોજન ગોઠવાઈ ચૂક્યું છે. મોરબી જિલ્લામાં NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) હેઠળ અને બીપીએલ હેઠળ 118418 રેશનકાર્ડ ધારકો છે. જે પૈકી મોરબી તાલુકામાં 50305, માળીયા મી.માં 13226, ટંકારામાં 11193, વાંકાનેરમાં 23579 તેમજ હળવદમાં 20115 રેશનકાર્ડ ધારકો છે. જો કે જિલ્લામાં હજુ 15797 કાર્ડધારકોની બેંક સીડિંગ કામગીરી બાકી હોય તાત્કાલિક આ કામગીરી કરવામાં આવશે. મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અંતર્ગત સમાવેશ થતો હોય તેવા રેશનકાર્ડ ધારકો તથા શ્રમ અને રોજગાર વિભાગમાં નોંધાયેલા બાંધકામ શ્રમયોગીઓને પ્રતિ કુટુંબ દીઠ 1000 રૂપિયા તેઓના બેંક એકાઉન્ટમાં સીધા જ જમા કરવામાં આવનાર છે. જેનો પ્રારંભ 20 એપ્રિલને સોમવારથી શરૂ થઈ જશે. ઉપરોક્ત બાબતની સૂચના મોરબી જિલ્લા પુરવઠા અધિકારી એચ.જી. પટેલ દ્વારા સંબધિત વિભાગોને મોકલી આપવામાં આવી છે.