ઘાસચારા અને પાણીના અભાવે થયા હતા નવ નંદીઓના મોત : અગાઉ કરાર આધારિત કર્મચારીને છૂટો કરાયા બાદ કોર્પોરેશનનું વધુ એક આકરું પગલુંમોરબી : મોરબી શહેરના નંદીઘરમાં કોર્પોરેશનના અધિકારીઓ અને સંચાલકોની બેદરકારીથી નવ ગૌવંશના મૃત્યુ નિપજયાની ઘટનામાં કોર્પોરેશને અગાઉ એક લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટરને ઘરભેગો કરી દીધા બાદ નંદીઘરનું સંચાલન કરતી સંસ્થાને એક લાખનો દંડ ફટકારી કડક પગલા લેતા ચકચાર જાગી છે.મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ મહાનગર પાલિકા સંચાલિત નંદીઘરમાં એક સાથે નવ - નવ નંદીઓના મૃત્યુ થયાની ગંભીર બાબતે વિપક્ષના હોબાળા બાદ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરી કરાર આધારિત લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર સોયબ શેરસિયાને છૂટો કરી શહેરમાં પશુ નિયંત્રણની કામગીરી કરતા એએનસીડી શાખાના અધિકારી નિમેશ ખાંભલાનો સાત દિવસનો પગાર કાપી લેવા હુકમ કરવામાં આવ્યો હતો.બીજી તરફ કોર્પોરેશન દ્વારા ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે નંદીઘરનું સંચાલન કરતી પશુબા ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાની પણ બેદરકારી હોવાનું નોંધી સંસ્થાને રૂ.1 લાખનો દંડ ફરકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.નોંધનીય છે કે, નંદીઘરમાં ઘાસચારા અને પાણીના અભાવે નંદીઓના મૃત્યુ બાદ લાંબા સમય સુધી મૃતદેહો જેમના તેમ પડયા રહ્યા હોય કોર્પોરેશનની છબી ખરડાતા આકરા પગલા લેવામાં આવ્યા છે.