ભાગીદાર સહિત પાંચ શખ્સો સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં સીરામીકના રો મટીરીયલ્સના ધંધામાં રૂ.45 લાખની ઉઘરાણી મામલે રો મટીરીયલ્સના ધંધાર્થીને તેના ભાગીદાર સહિત પાંચ શખ્સોએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ સંદર્ભે રો મટીરીયલ્સના ધંધાર્થીએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી પાસે આવેલ રોયલ પેલેસ ફલેટ નં.403 માં રહેતા અને સીરામીકના રો મટીરીયલ્સનો ધંધો કરતા જીમીતભાઇ રાજેશભાઇ ઘોરેચાએ મનિષભાઇ દિનેશભાઇ લોદરીયા રહે.શકત શનાળા, મોરબી, મહેશભાઇ રાજપુત રહે. રાજકોટ, ચેતન રામચંદ્રભાઇ નિમાવત રવાપર રોડ મોરબી તથા સિકંદર ઉર્ફે બલુન બ્લોચ રહે. કાલીકાપ્લોટ મોરબી અને અંકિત શાહ રહે. રાજકોટ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૩ ના રોજ મોરબી રવાપર રોડ એજે કંપની સામે ઘોરેચા એક્સીમ નામની ફરીયાદીની ઓફિસમાં બનેલા આ બનાવમાં ફરીયાદી તથા આરોપી મનિષભાઇ દિનેશભાઇ લોદરીયા વેપારમાં પાર્ટનર હોઇ અને ફરીયાદીએ આરોપીને ઘણા સમયથી પૈસા આપવાના હોઇ જેથી ચાર આરોપીઓએ પૈસાની લેવડ દેવડ બાબતે ફરીયાદીની ઓફિસે જઇ પૈસાની લેતી દેતી બાબતે વાતચીત દરમ્યાન આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. બાદમાં રાજકોટ રહેતા પાંચમા આરોપીએ ફરીયાદીને તેના મોબાઇલ પર આ પૈસા આપી દેવા માટે કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ મામલે એ ડિવિઝન પીએસઆઇ આર.ટી.વ્યાસે જણાવ્યું હતું કે સીરામીકના રો મટિરિયલ્સનો ધંધો ભાગીદારીમાં કરીને ધંધાના બાકી રહી જતા રૂ.45 લાખની ઉઘરાણી મામલે આ બનાવ બન્યો હતો. આ અંગે સઘન તપાસ ચાલી રહી છે.