જિલ્લામાં એક વર્ષમાં કુલ 476 અકસ્માતના બનાવમાં 235 લોકોએ જીવ ગુમાવ્યા : પોલીસે વાહન ચાલકોને અકસ્માતથી બચવા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જાગૃત કર્યા મોરબી : મોરબીમાં આજે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો આજે પ્રારંભ થયો હતો. ત્યારે એક વર્ષના અકસ્માતનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 476 માર્ગ અકસ્માતના બનાવ બન્યા હતા. તેમાંથી 215 જીવલેણ અકસ્માતમાં 235 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 141 લોકોને ગંભીર ઇજા અને 100 વ્યક્તિઓને સામાન્ય ઇજા થઇ હતી.12 ઇજા વગરના અકસ્માત થયા હતા.ગંભીર અકસ્માતમાં 83 વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં પડ્યા હતા.આજે માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ થતા પોલીસે નિયમભંગ કરનાર વાહન ચાલકોને દંડને બદલે ગુલાબનું ફૂલ ભેટ આપી જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો. મોરબીમાં આજે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના પ્રારંભે ડે. કલેકટર ઝાલા, મામલતદાર નિખિલ મહેતા, ડીવાયએસપી ગૌસ્વામી, ટ્રાફિક પીઆઇ સોલંકી, ટ્રાફિક પીએસઆઇ પંડ્યા, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના નિલેશભાઈ જેતપરિયા, આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિ, બી ડિવિઝન પીઆઇ દેકાવડીયા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે, 80 ટકા અકસ્માતો ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાને કારણે થાય છે. ટ્રાફિક નિયમના ભંગ બદલ આપવામાં આવતો દંડ સજા રૂપે નહિ પણ જાગૃત કરવાનો હેતુ છે. મોરબી જિલ્લાની આશરે 10 લાખ વસ્તીમાં 3 લાખથી વધુ લોકો વાહનો ઉપર અવરજવર કરતા હોય ત્યારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાથી થતા અકસ્માતમાં મિલકતમાં થયેલા નુક્શાનનું વળતર તો વીમા કંપની પાસેથી મેળવી શકાય છે. પણ અકસ્માતમાં ગુમાવેલો જીવ પાછો મેળવી શકાતો નથી.એટલે શારીરિક નુકશાન આપણે જ ભોગવવું પડતું હોય અકસ્માતથી બચવા લોકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવ્યું હતું. મોરબી જિલ્લામાં સરેરાશ 400 જેટલા લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. જિલ્લામાં સૌથી વધુ માળીયા હાઇવે ઉપર અકસ્માત થાય છે.ત્યાં રોગ સાઈડ સહીત ટ્રાફિક નિયમોના ભંગને કારણે અકસ્માત થાય છે. અકસ્માતમાં મોટાભાગે સામાન્ય પરિવારના લોકો ભોગ બનતા હોય અને એ પરિવાર કમાનાર મુખ્ય વ્યક્તિ હોય તો તેના મૃત્યુ પછી પરિવારની હાલત કફોડી બની જાય છે. વાહન અકસ્માત ઓછા બને તે જ આ ઉજવણીનો હેતુ હોય હવે પછી ટ્રાફિક અવનરેશના કાર્યક્રમો કરવાનું કહી આજે ટ્રાફિક નિયમોના ભંગ કરનાર વાહન ચાલકોને પોલીસે દંડને બદલે ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સમજણ આપી હતી.