બુલેટ ચાલક નશાની હાલતમાં હોવાનો પરિવારનો આક્ષેપ, આ શખ્સ શાળાની વિદ્યાર્થીઓ સામે વારંવાર સીન સપાટા કરવા જોખમી રીતે બુલેટ ચલાવી હેરાન કરતો હોવાની રાવહળવદ : હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે ચરાડવા રોડ પર ગઈકાલે સાંજે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં શાળાએથી ચાલીને પોતાના ઘરે પરત ફરી રહેલી 4 વિદ્યાર્થિનીઓને ત્રિપલ સવારીમાં આવેલા એક બુલેટ ચાલક રોમિયોએ અડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 11 વર્ષીય વિદ્યાર્થિનીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 વિદ્યાર્થિનીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.આ ગોઝારા અકસ્માતમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 11 વર્ષીય રોશનીબેન મનીષભાઈ ઠાકોર નામની વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 3 વિદ્યાર્થિનીઓ 12 વર્ષીય અંકિતાબેન દિનેશભાઈ ઠાકોર, 11 વર્ષીય રીનાબેન મહેશભાઈ ઠાકોર અને 12 વર્ષીય જાનવીબેન સુરેશભાઈ ઠાકોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હળવદ તેમજ જેતપરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.માસૂમ દીકરીનું મોત થતા પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, બુલેટ ચાલક નશાની હાલતમાં હતો અને તે દારૂનો ધંધાર્થી છે. ગામમાં અવારનવાર તે પોતાનું બાઇક ફૂલ સ્પીડમાં હંકારીને સીનસપાટા કરતો હોય છે. વધુમાં પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે આ શખ્સ અગાઉ પણ દીકરીઓ જ્યારે શાળાએ આવતી-જતી ત્યારે બાઇકના કાવા મારીને હેરાનગતિ કરતો હતો. હાલ આ મામલે નિર્દોષ વિદ્યાર્થિનીનો ભોગ લેનાર અને નશાની હાલતમાં બેફામ વાહન હંકારનાર બુલેટ ચાલક સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોએ ઉગ્ર માંગ કરી છે.#Halvad #MorbiUpdate #AccidentNews #JunaDevaliya #MorbiPolice #GujaratNews #RoadAccident #CrimeNews #HalvadNews