માલિક એકાઉન્ટન્ટ સાથે કારમાં મિલની બહાર નીકળ્યા, ત્યાં જ બે લૂંટારુંઓએ કાર ઉપર હુમલો કરી લૂંટને આપ્યો અંજામ વાંકાનેર : મોરબી જિલ્લામાં ગંભીર ગુનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. વાંકાનેરમાં છરીની અણીએ જીનિંગ મિલના માલિક સાથે રૂ. 27 લાખની લૂંટ થઈ છે. બે લૂંટારુંઓ આ લૂંટને અંજામ આપીને ફરાર થઇ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર શહેર નજીક આવેલ વિકાસ જીનિંગ મિલના પાર્ટનર યુસુફભાઈ માથકીયા તેમના એકાઉન્ટન્ટ અબ્દુલભાઈ સાથે સ્વીફટ કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓએ કાર મિલની બહાર કાઢી ત્યાં જ દીવાલ ઉપર બેઠેલા એક વ્યક્તિએ કાર ઉપર પથ્થર માર્યો હતો. બાદમાં બીજા એક વ્યક્તિએ આવીને બેઝબોલનો ધોકો કાર ઉપર માર્યો હતો. બાદમાં મિલના પાર્ટનર યુસુફભાઈ બહાર નીકળ્યા હતા. ત્યારે બન્ને લૂંટારુઓએ તેમના ઉપર હુમલો કર્યો હતો.લૂંટારુઓએ છરી વડે યુસુફભાઈને ઇજા પણ પહોંચાડી હતી. બાદમાં આ બન્ને લૂંટારુંઓ રૂ. 27 લાખ ભરેલું બેગ લઈને હવામાં ઓગળી ગયા હતા. આ ઉપરાંત અન્ય એક બેગ જેમાં ચેક અને ડોક્યુમેન્ટ હતા તે બેગ પણ લૂંટારુઓ લઈ ગયા છે. બીજી બાજુ યુસુફભાઈને ઇજાઓ પહોંચી હોય તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે જાણ થતા એલસીબી પીઆઇ જાડેજા તથા વાંકાનેર પોલીસ મથકના જાડેજા સહિતના અધિકારીઓ અને જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે આ લૂંટારુંઓની શોધખોળ ચલાવી છે.