પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 3.90 લાખની રકમ રિકવર કરી મોરબી : મોરબીના ચકચારી લૂંટ પ્રકરણના બે આરોપીઓનો કબજો મળ્યાં બાદ બન્નેના 6 દિવસના રિમાન્ડ પણ મંજુર થઈ ગયા છે. જેમાં પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કબુલ્યું હતું કે મોજશોખમાં દેણું થઈ ગયું હોય એટલે લૂંટનો પ્લાન ઘડયો હતો. વધુમાં પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 3.90 લાખની રકમ પણ રિકવર કરી છે. મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક નજીક લીલાલહેર પાસે ભરબપોરે ધોળે દહાડે નંબરપ્લેટ વગરના મોટર સાયકલ ઉપર આવીને જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ રહે. બંગાવડી તા.ટંકારા જી.મોરબી તથા સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામ બહાદુરસીંગ રાજપુત રહે હાલ સુરત મુળ નારીબારી તા. થાણા. શંકરગઢ જી.અલ્લાહબાદ- પ્રયાગરાજ (યુ.પી.) વાળાએ રોકડ લઈને જઈ રહેલા વસંતભાઈ ગંગારામભાઈ બાવરવા નામના આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી બંદૂકના નાળચે લૂંટ ચલાવી હતી. આ દરમિયાન વસંતભાઈને ઇજા પણ પહોંચી હતી. બનાવ મામલે ફરિયાદ નોંધીને પોલીસે જુદી જુદી 7 ટીમોને કામે લગાડી તપાસ આદરી હતી. જેમાં એલસીબીની ટીમને આ બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. ટીમે દિલ્હી જઈને દિલ્હી પોલીસની મદદથી બન્ને આરોપીઓને ત્યાંથી દબોચી લીધા હતા. પણ બન્ને આરોપીઓ પાસે બંદૂક મળતા દિલ્હી ખાતે ગુનો નોંધી ત્યાંની પોલીસે તેનો કબજો લઈ લીધો હતો. ત્યારબાદ આ બન્ને આરોપીઓનો કબજો દિલ્હી પોલીસે મોરબી પોલીસને સોંપ્યો છે. જેથી મોરબી પોલીસે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બન્નેના 6 દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. વધુમાં આરોપીઓએ રૂ. 4 લાખની લૂંટ ચલાવી હતી. તેમાંથી પોલીસે રૂ. 3.90 લાખ રિકવર પણ કરી લીધા છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે બંગાવડી ગામે રહેતા જયદિપ નાનજીભાઇ પટેલ નામના આરોપીને મોજ શોખમાં દેણું થઈ ગયું હતું. જેથી તેને રીઢા ગુનેગાર સંદિપ શ્યામબહાદુરસીંગ રાજપુત સાથે મળીને આ લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. આ લૂંટ પૂર્વે બન્ને આરોપીઓએ આ સ્થળની તેમજ આંગડિયાના કર્મચારીની રેકી પણ કરી હતી. આંગડીયા પેઢીનો કર્મચારી રૂ. 53 લાખ રોકડા લઈને જતો હતો!! લૂંટ પ્રકરણમાં સતાવાર ફરિયાદ નોંધાઇ ગયા બાદ પણ પોલીસે ફરિયાદી કેટલા રૂપિયા લઈને જતો હતો તે અંગે કોઈ વિગત જાહેર કરી ન હતી. પણ હવે આ કેસમાં પોલીસે વિગતો જાહેર કરી દીધી છે. જેમાં જણાવ્યા પ્રમાણે આંગડિયા પેઢીનો કર્મચારી રૂ. 53 લાખ રોકડા લઈને જતો હતો. ત્યારે લૂંટની ઘટના બની હતી. આરોપીઓએ માત્ર 4 લાખ જ લૂંટયા આંગડીયા પેઢીનો કર્મચારી 53 લાખ જેટલી મોટી રકમ લઈને જતો હતો. ત્યારે બન્ને લૂંટારુંઓએ માત્ર 4 લાખ જેટલી જ રકમ લૂંટી હતી. જો કે ભાગતી વેળાએ રૂ. 5 લાખનું બંડલ નીચે પડી ગયું હોવાનું પણ વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. ટૂંકમાં લૂંટારૂઓએ પુરી રકમ લૂંટવાને બદલે થોડી જ રકમ લૂંટી હતી. રીઢો ગુનેગાર લિંબડી કોર્ટની તારીખમાં આવ્યો અને લૂંટના પ્લાનમાં સામેલ થઈ ગયો રીઢો ગુનેગાર સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામ બહાદુરસીંગ રાજપુત રહે. હાલ સુરત મુળ નારીબારી તા. થાણા. શંકરગઢ જી.અલ્લાહબાદ- પ્રયાગરાજ (યુ.પી.) વાળો આ બાજુ રહેતો ન હતો પણ તે લીંબડી કોર્ટની તારીખમાં આવ્યો હતો. બાદમાં તે આ લૂંટના પ્લાનમાં સામેલ થઈ ગયો હતો. જો કે તે લૂંટ માટે સ્પેશિયાલ અહીં આવ્યો ન હતો.