રૂપિયા 14, 500ની લુંટ કરી આરોપીઓ ફરાર વાંકાનેર : રાજકોટ-અમદાવાદ હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રી પાસે વાહનચાલકો સાથે લૂંટની ઘટના ઘટી હોવાના અનેક બનાવો બન્યા છે. લૂંટારૂ ટોળકી ફરી સક્રિય થઇ હોય તેમ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકચાલકને આંતરી ચાર શખ્સોએ ઢોરમાર મારી રોકડ, વીંટી અને મોબાઇલની લૂંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાબરકાંઠા પંથકનો કલ્યાણસિંહ હેમંતસિંહ ઝાલા નામનો 38 વર્ષનો યુવાન વાંકાનેર બાઉન્ડ્રીથી ચોટીલા તરફ પોતાનો જીજે18એએકસ-4180 નંબરનો ટ્રક લઇ જઇ રહ્યો હતો ત્યારે વાંકાનેર બાઉન્ડ્રીની આગળ પહોંચતા ચાર જેટલા અજાણ્યા શખ્સોએ ટ્રકને આંતરી કલ્યાણસિંહ ઝાલાને ધોલથપાટ કરી દોરડાથી હાથ-પગ બાંધી રોડ સાઇડમાં માર મારી ફેંકી દીધો હતો અને તેની પાસે રહેલી રૂા.11 હજારની રોકડ, ચાંદીની વીંટી અને મોબાઇલની લૂંટ ચલાવી નાસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પીટલના બીછાને સારવાર લઇ રહેલા કલ્યાણસિંહ ઝાલાએ લૂંટનો આક્ષેપ કરતાં પોલીસે નોંધ કરી ટ્રકચાલકને માર મારી લૂંટ ચલાવનાર લૂંટારૂ ટોળકીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.