એક્સેસ પર આવેલા ૩ અજાણ્યા શખ્સોએ ૨ યુવકોને ધમકાવી ૨ મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી, તાલુકા પોલીસે ગુનો નોંધ્યોમોરબી અપડેટ : મોરબી તાલુકાના ભરતનગરથી ખોખરા હનુમાન તરફ જતા રોડ પર મોડી રાત્રે લૂંટની ઘટના સામે આવી છે. જમીને પરત ફરી રહેલા શ્રમિક યુવકોને રસ્તામાં આંતરી, છરી બતાવી પેટમાં ઘુસાડી દેવાની ધમકી આપી ૩ અજાણ્યા શખ્સો ૨ મોબાઈલ ફોન તથા રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જમીને કારખાને પરત ફરતા યુવકોને રસ્તામાં આંતર્યાબનાવની વિગતો અનુસાર, મૂળ બનાસકાંઠાના વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના વતની અને હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ પર આવેલ પોલો સર્કલ પેપરમીલની ઓરડીમાં રહી મજૂરી કામ કરતા રાહુલભાઈ વેલાભાઈ વાલડીયા (ઉંમર ૧૮ વર્ષ) એ ફરિયાદ નોંધાવી છે. ગત તા. 27/08/2026 ના રોજ રાત્રિના આશરે 11:30 વાગ્યાની આસપાસ રાહુલભાઈ, તેમનો મિત્ર રાણભાઈ લક્ષ્મણભાઈ વાલડીયા (ઉંમર 17 વર્ષ) અને સુરજભાઈ રામદયાલ જાટમ ભરતનગર ગામ પાસે આવેલ કે.કે. હોટેલ ખાતેથી જમીને કારખાના તરફ પરત જઈ રહ્યા હતા. 'જે હોય તે આપી દો નહીંતર છરી પેટમાં ઘુસાડી દઈશું' કહી ધમકાવ્યાદરમિયાન ભરતનગરથી ખોખરા હનુમાન તરફ જતા રોડ પર પીળા રંગના સુઝુકી એક્સેસ મોટરસાયકલ પર આશરે 30 થી 35 વર્ષની ઉંમરના 3 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને યુવકોને રસ્તામાં રોકી લીધા હતા. તે પૈકી ક્રીમ કલરનું ટી-શર્ટ પહેરેલા શખ્સે છરી બતાવી 'ખિસ્સામાં જે પણ કાંઈ હોય તે કાઢી આપી દો નહીંતર છરી પેટમાં ઘુસાડી દઈશું' તેવી ધમકી આપી હતી. જેથી ડરી ગયેલા રાહુલભાઈએ પોતાનો રીયલમી કંપનીનો મોબાઈલ અને ખિસ્સામાંથી રોકડા રૂ. 1000 તથા રાણભાઈએ પોતાનો ઓપો કંપનીનો મોબાઈલ કાઢી આપ્યો હતો. જ્યારે કાળા કલરનું ટી-શર્ટ પહેરેલા શખ્સે ખિસ્સા ફંફોસી બળજબરીપૂર્વક રોકડ રકમ કઢાવી લીધી હતી. આ ત્રણેય શખ્સો કુલ ૨ મોબાઈલ ફોન (કિંમત અંદાજે રૂ. 10,000) તથા રોકડા રૂ. 1000 મળી કુલ રૂ. 11,000 ની મતા લૂંટીને બેલા ગામ તરફ ભાગી ગયા હતા. સાથે રહેલા સુરજભાઈએ પોતાનો મોબાઈલ સંતાડી રાખ્યો હોવાથી તેમણે તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન 112 નંબર પર જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાઆ બનાવ અંગે રાહુલભાઈ વાલડીયાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ૩ અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી.એન.એસ. કલમ 308(5), 3(5), 54 તથા જી.પી.એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનાની આગળની વધુ તપાસ પીએસઆઈ તનકુમાર હિંમતલાલ અંબારીયા ચલાવી રહ્યા છે. #Morbi #MorbiNews #MorbiUpdate #MorbiCrime #MorbiPolice #CrimeNews #Loot #GujaratPolice #KhokhraHanuman