મોરબી : રફાળેશ્વર મહાદેવ મંદિરે આજે એક દિવસીય શિવરાત્રી મેળાનું આયોજન કરાયું હોય મેળામાં ભીડ ન થાય એના માટે મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર પાસેથી હાઇવે પર જતાં લોકોને વૈકલ્પીલ માર્ગ પર જવા અનુરોધ કરાયો છે. આજે મહાશિવરાત્રીના અનુસંધાને મોરબીના રફાળેશ્વર મંદિર પાસે એક દિવસીય મેળાનું જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરાયું છે. જેથી ત્યાં દૂર - દૂરથી મોટી સંખ્યામાં લોકો મહાદેવના દર્શન કરવા અને મેળો માણવા માટે આવતા હોય ટ્રાફિક ન સર્જાય તે માટે તાલુકા પોલીસ દ્વારા ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. વધુમાં આ મેળામાં ટ્રાફિક ન થાય માટે મોરબી તાલુકા પોલીસ દ્વારા જોધપર (નદી) થી હાઇવે પર તરફ જતાં તેમજ હાઇવેથી જોધપર(નદી) તરફ જતા વાહનો માટે આજના દિવસ માટે વૈકલ્પિક રસ્તો કાઢ્યો છે. જેમાં મોરબીથી હાઇવે જવા માટે જોધપર ગામ આગળથી રફાળેશ્વર ફાટક પહેલાથી કાચા રસ્તે કુમાર છાત્રાલય બાજુથી હાઇવે પર જઇ શકાશે, તેમજ હાઇવેથી મોરબી જવા માટે ખોડિયાર મંદિર પાસે કાચા રસ્તેથી લીલાપર બાજુ જઈ શકાશે. ત્યાં બન્ને બાજુ પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે. આથી સીરામીક ઉદ્યોગકારો અને અન્ય વાહન ચાલકોને આજના દિવસ માટે આ વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવા મોરબી તાલુકા પોલીસે અનુરોધ કર્યો છે.