મોરબી: મોરબી મહાપાલિકામાં ભળી ગયેલી પાંચ ભૂતપૂર્વ ગ્રામ પંચાયતોના વિસ્તારોમાં કુલ રૂ. 63.16 લાખના ખર્ચે રોડ સંબંધિત વિવિધ કામો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ દ્વારા તા. 01/01/2025 ના રોજ મોરબી નગરપાલિકાને આસપાસની કુલ 09 ગ્રામ પંચાયતો (રવાપર, મહેન્દ્રનગર, લીલાપર, ભડીયાદ, ત્રાજપર, માધાપર ઓજી, ઇન્દિરાનગર, જવાહરનગર અને શકત શનાળા) ને ભેળવીને મોરબી મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવી હતી.મહાનગરપાલિકા દ્વારા આ 09 ગ્રામ પંચાયતોના સ્વભંડોળ અંતર્ગત થયેલા ઠરાવો અનુસાર કુલ 11 કામોને વહીવટી અને તાંત્રિક મંજૂરી આપીને રૂ. 259.00 લાખના ખર્ચે શરૂ કરવામાં આવ્યા હતા. તે પૈકી, તાજેતરમાં કુલ પાંચ રોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેનો કુલ ખર્ચ રૂ. 63.16 લાખ થયો છે. પૂર્ણ થયેલા મુખ્ય કામોમાં નાની વાવડી ખાતે સાંતી નગર સોસાયટીમાં (રૂ. 10.16 લાખ), ઇન્દિરાનગરમાં પાણીના સંપથી દરબારની દુકાન સુધી (રૂ. 13.86 લાખ), ત્રાજપર વિસ્તારમાં હનુમાનજી મંદિરથી ઘુંટુ રોડ સુધી (રૂ. 15.27 લાખ), ત્રાજપર વિસ્તારમાં મેલડીમાના મંદિરથી ઘુંટુ રોડ સુધી (રૂ. 15.01 લાખ), અને ભડિયાદ વિસ્તારમાં રાજુભાઈ મોહનભાઈ વ્યાસના ઘરથી પંચવટી સુધી (રૂ. 8.89 લાખ) પેવર બ્લોકના કામોનો સમાવેશ થાય છે. આ 5 કાર્યો પૂર્ણ થયા હોવા અંગે સિવિલ અને સીટી બ્યુટીફિકેશનની શાખાની યાદીમાં જણાવાયુ છે.