કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાની સફળ રજૂઆતને પગલે મંજૂર થયેલ કામ બદલ આભાર વંદના કાર્યક્રમ યોજાયોમોરબી: કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની સફળ રજૂઆતના પગલે આમરણ ચોવીસી પંથકના ગ્રામ્ય માર્ગોના નવીનીકરણ માટે રાજ્ય સરકારે રૂ. 41 કરોડના કામોને મંજૂરી આપી જોબવર્ક ફાળવી દીધું છે, જેના કારણે પંથકના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ મંજૂરી બદલ ધારાસભ્યનો આભાર માનવા માટે ફાટસર ગામે પંથકના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં આભાર વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ ધારાસભ્યનું સામૈયું કરી સ્વાગત કર્યું હતું.ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારી માટે ઝડપી નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે માર્ગોના નવીનીકરણના કામોમાં ગુણવત્તા બાબતે કોઈ કચાશ સાંખી લેવામાં નહીં આવે. મુખ્યમંત્રી ખુદ ગુણવત્તાયુક્ત કામો બાબતે સજાગ છે. તેમણે ઉમેર્યું હતું કે આમરણ ચોવીસી પંથકના તમામ ગ્રામ્ય માર્ગોનું ડામરકામ અને સીસી કામો દ્વારા કાયાકલ્પ કરી, જુદા જુદા ગામોને જોડતી માર્ગોની નવી પરિવહન સેવા દિવાળી બાદ નવા વર્ષમાં લોકોને પ્રાપ્ત થઈ જશે.રૂ. 41 કરોડના આ નવીનીકરણ કામોમાં કેરાળી-ફાટસર-કોયલી રોડ માટે રૂ. 10 કરોડ, રાજપર-ખારચીયા માર્ગ માટે રૂ. 6 કરોડ, આમરણ-કોઠારીયા માર્ગ માટે રૂ. 5 કરોડ, આમરણ-માણેકવાડા માર્ગ માટે રૂ. 18 કરોડ અને કેરળી ગામે બ્રિજ માટે રૂ. 2 કરોડના કામોનો સમાવેશ થાય છે.